અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બનેલો એક વિવાદાસ્પદ બનાવ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં એક રેસિડેન્ટ મહિલા ડૉક્ટર અને દર્દીના સગા વચ્ચે તીવ્ર બબાલ સર્જાઈ હતી. જાણકારી મુજબ, દર્દી સાથે મહિલા ડૉક્ટરે ઉગ્ર વર્તન કર્યું હતું અને વીડિયો વાયરલ થતાં મામલો વધુ ગરમાયો હતો.
'આ બનાવમાં ડૉક્ટર અને પેશન્ટ બંનેનો વાંક હતો'
સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. દીપિકા સિંઘલે જણાવ્યું કે, આ બનાવમાં ડૉક્ટર અને પેશન્ટ બંનેનો વાંક હતો. વીડિયોમાં ડૉક્ટર દ્વારા "હું તમારી ટ્રીટમેન્ટ નહીં કરું" એવું કહેવું એકદમ ખોટું હોવાનું તેમણે સ્વીકાર્યું. ડૉક્ટરના આક્રમક વર્તનને ધ્યાનમાં રાખીને તેમને ક્લિનિકલ કામમાંથી દૂર કરીને રિસર્ચ વિંગમાં મુકવામાં આવ્યા છે.
'સાઇકિયાટ્રિસ્ટની કાઉન્સેલિંગ હેઠળ'
સુપરિન્ટેન્ડન્ટે વધુમાં કહ્યું કે, સંબંધિત ડૉક્ટર પોતે પણ હાલ એક પેશન્ટ તરીકે સાઇકિયાટ્રિસ્ટની કાઉન્સેલિંગ હેઠળ છે. આ મામલે ડીન દ્વારા ઇન્ક્વાયરી કમિટી રચવામાં આવી છે, જે આખી ઘટનાની તપાસ કરશે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ ડૉક્ટરને સસ્પેન્ડ કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલ હોસ્પિટલમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ આ બનાવે તબીબી ક્ષેત્રમાં વર્તન અને દર્દી વ્યવહાર સંબંધિત પ્રશ્નો ફરી એક વાર ઉઠાવી દીધા છે.






