અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 18 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડૂબી ગયેલી બોટનો મામલો વધુ ગંભીર બન્યો છે. આ દુર્ઘટનામાં 30થી વધુ ખલાસીઓ લાપતા થયા હતા, જેમાંથી બે ખલાસીઓના મૃતદેહ હવે નવસારી જિલ્લાની દરિયાઈ સીમામાંથી તણાઈ આવ્યા છે.
નવસારીના દાંડી અને માછીવાડમાંથી મળ્યા મૃતદેહ
કોસ્ટગાર્ડની ટીમ દ્વારા લાપતા ખલાસીઓની શોધખોળ ચાલી રહી હતી ત્યારે નવસારીના દરિયાકિનારેથી બે મૃતદેહ મળી આવ્યા. એક મૃતદેહ નવસારીના દાંડી દરિયાકિનારેથી મળ્યો, જ્યારે બીજો મૃતદેહ માછીવાડ ગામની દીવાદાંડી નજીકથી મળી આવ્યો. સ્થાનિકોએ આ ઘટનાની જાણ મરીન પોલીસને કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, મૃતદેહો પરથી મળેલા દસ્તાવેજો અને અન્ય પુરાવાઓને આધારે પોલીસને જાણવા મળ્યું કે આ બંને મૃતદેહ જાફરાબાદની ફિશિંગ બોટના ખલાસીઓના છે. આ બે મૃતદેહોમાંથી એકની ઓળખ હરીશ બિજભાઈ બારૈયા તરીકે થઈ છે.
મૃતદેહની ઓળખ થતાં પોલીસે તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરી. પરિવાર અમરેલીથી નવસારી જવા રવાના થયો છે. આ ઘટના બાદ લાપતા અન્ય ખલાસીઓના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા બાકીના ખલાસીઓની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે.






