Ahmedabad Plan Crash Latest Updates: અમદાવાદમાં થયેલાં પ્લેન ક્રેશની ઘટનાને એક મહિનો વીતી ચૂક્યો છે. હજુ અલગ-અલગ સ્તર પર આ સમગ્ર મામલાની તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. પ્રાથમિક રિપોર્ટ પણ સામે આવી ચૂક્યા છે. જોકે, આ તમામની વચ્ચે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારે સમગ્ર ઘટના અને મોટો ઘટસ્ફોટ કર્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો,આ માહિતી ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોઈટર્સ દ્વારા જાહેર કરાઈ છે.
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. જેમાં વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા એવો દાવો કરાયો છેકે, મુખ્ય પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલે પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી. કો-પાઇલટે ગભરાતાં અવાજે પૂછ્યું, સ્વિચ કેમ બંધ કરી? સામે થી જવાબ આવ્યો કે મેં સ્વિચ બંધ નથી કરી. ત્યાર બાદ મેડે...મેડે...નો કોલ અને બસ પલક ઝપકતા જ પ્લેન હોસ્ટેટને અથડાયું અને આગના ગોળમાં ફેરવાઈ ગઈ અનેક જિંદગીઓ.
WSJએ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, 'તમે ફ્યૂઅલ સ્વિચને 'કટઓફ' કેમ કરી?' પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટ ક્લાઈવ કુંદરને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો.
વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.
કેવી રીતે થઈ હતી દુર્ઘટના?
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના 32 સેકન્ડ પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આમાં 260 લોકોનાં મોત થયાં હતાં. બપોરે 12 વાગ્યાને 38 મિનિટે લંડન માટે પ્લેન ટેક ઓફ થયું અને માત્ર બે જ મિનિટમાં એટલેકે, 1 વાગ્યાને 40 મિનિટે તે ક્રેશ થઈ ગયું.
કઈ કંપની પાસે કેટલાં પ્લેન છે?
એર ઇન્ડિયા પાસે કુલ 33 બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન છે. ઇન્ડિગો પાસે સાત B-737 મેક્સ 8 અને એક B-787-9 વિમાન છે. આ બધા વિમાન લીઝ, વેટ લીઝ અથવા ડેમ્પ લીઝ પર છે, તેથી ભારતમાં રજિસ્ટર્ડ નથી.
5 દિવસ પહેલાં ભારતે જાહેર કરી હતી પાઈલટ્સની વાતચીતઃ
અગાઉ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા. જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
એર ઇન્ડિયાએ બુધવારે માહિતી આપી હતી કે તેના તમામ બોઇંગ-787 સિરીઝનાં વિમાનોના ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ (FCS) ના લોકિંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એર ઇન્ડિયાએ કહ્યું, બોઇંગ-787 વિમાનના ફ્યૂઅલ સ્વિચમાં કોઈ ખામી નથી. કંપનીએ જણાવ્યું કે બધા બોઈંગ- 787 વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) પણ બદલવામાં આવ્યા છે. ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ, TCMનો એક મુખ્ય ભાગ છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ 14 જુલાઈએ બધી એરલાઇન કંપનીઓને 21 જુલાઈ સુધી બોઈંગ-737 અને 787 સિરીઝનાં બધાં વિમાનોમાં ફ્યૂઅલ સ્વિચની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પાઈલટ્સની છબિ ખરાબ કરવા ખોટો રિપોર્ટ અપાયો!
FIPના પ્રમુખ સીએસ રંધાવાએ જણાવ્યું હતું કે પાઇલટ સંગઠનો તપાસમાં સામેલ નહોતા અને જે રીતે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે એકતરફી અને અપૂર્ણ છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં કોકપિટ વાતચીતના ફક્ત કેટલાક ભાગો રજૂ કરવામાં આવ્યા છે અને પાઇલટ્સની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.






