Home Gujarat Canada Anand Student Vidhi Megha Murder Case

કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત! : આણંદની 22 વર્ષની વિદ્યાર્થિનીની હત્યા, પરિવાર સ્તબ્ધ

વિદ્યાર્થિની વિધીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 28, 2026, 06:42 AM IST

કેનેડામાં અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને ગયેલી ગુજરાતીની એક વધુ યુવતી દુર્ઘટનાનો ભોગ બનતા સમગ્ર ગુજરાતમાં શોક અને ચિંતા ફેલાઈ છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષની વિધી કલ્પેશભાઈ મેઘાની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વિદેશમાં વસતા ગુજરાતી સમાજમાં પણ આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

પરિવારને ઘટનાની જાણ થતાં જ બોરસદમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સગાસંબંધીઓ અને ઓળખીતાઓ વિધીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે વિધી ખૂબ જ મહેનતુ અને અભ્યાસપ્રેમી હતી અને પોતાના ભવિષ્ય માટે મોટા સપનાઓ લઈને કેનેડા ગઈ હતી.

અભ્યાસ સાથે નોકરી કરીને બનાવતી હતી ભવિષ્ય

મળતી માહિતી મુજબ, વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી અને સાથે પોતાની રોજિંદી જરૂરિયાતો અને ફીનો ખર્ચ ઉઠાવવા નોકરી પણ કરતી હતી. કેનેડામાં અભ્યાસ માટે જતા અનેક ભારતીય વિદ્યાર્થીઓની જેમ વિધી પણ પોતાના પરિવારનું નામ રોશન કરવા અને સારો કારકિર્દી માર્ગ બનાવવા પ્રયાસ કરી રહી હતી.

અહેવાલો મુજબ, ગત 15 મેના રોજ અમેરિકાની સરહદ નજીક આવેલા વિસ્તારમાં વિધી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરે ચપ્પુ વડે અનેક ઘા મારતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાએ કેનેડામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી છે, પરંતુ સાથે સુરક્ષા, માનસિક તણાવ, નોકરીની અનિશ્ચિતતા અને વધતા ગુનાખોરીના બનાવો અંગે ચિંતા પણ વ્યક્ત થતી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના વટવામાં ખાડાનો ખતરો યથાવત : બાઈક બાદ હવે ક્રેન પડી ખાડામાં, જાણો પછી શું થયું...

કેનેડાની પોલીસે શરૂ કરી સઘન તપાસ

કેનેડાની સ્થાનિક પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ હતો, હુમલો વ્યક્તિગત દુશ્મનાવટના કારણે થયો કે અન્ય કોઈ કારણસર, તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હાલ સુધી પોલીસ તરફથી હત્યા પાછળનો ચોક્કસ હેતુ જાહેર કરવામાં આવ્યો નથી.

પોલીસે ઘટના સ્થળ આસપાસના CCTV ફૂટેજ, સ્થાનિક સાક્ષીઓના નિવેદનો અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસનો દોર આગળ વધાર્યો છે. ભારતીય દૂતાવાસ અને સ્થાનિક ભારતીય સમુદાય પણ ઘટનાને લઈને સક્રિય બન્યા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી : ડો. નેહલ શુક્લ બન્યા મેયર, પરેશ પીપળીયા સ્ટેન્ડિંગ ચેરમેન

ગુજરાતમાં વધ્યો વિદેશમાં જઈને અભ્યાસ કરવાનો ટ્રેન્ડ

ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં અભ્યાસ માટે જાય છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી કેનેડા જવાનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે.

પરંતુ આવા દુઃખદ બનાવો બાદ વિદેશમાં સુરક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અંગે ચર્ચા ફરી તેજ બની છે. નિષ્ણાતોના મત મુજબ, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સ્થાનિક કાયદા, સુરક્ષા વ્યવસ્થા, રહેવાની પરિસ્થિતિ અને ઇમરજન્સી સપોર્ટ સિસ્ટમ અંગે પણ પૂરતી માહિતી અને માર્ગદર્શન જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકામાં 'મહિલા રાજ' : ગીતા મકવાણા બન્યા મેયર, આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર અને વર્ષાબહેન વ્યાસ સ્ટેન્ડિંગ ચેરમેન

વિધી મેઘાની હત્યાએ માત્ર એક પરિવારનો સહારો છીનવી લીધો નથી, પરંતુ વિદેશમાં વસતા હજારો ગુજરાતી પરિવારોમાં પણ ભય અને ચિંતા ઉભી કરી છે. હવે તમામની નજર કેનેડાની પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now