Home Gujarat Businessman Attacked With Sword For Demanding Refund Of Flats Money

ફ્લેટના રૂપિયા પરત માંગતા વેપારી પર તલવારથી હુમલો : ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

ફ્લેટના રૂપિયા પરત માંગતા વેપારી પર તલવારથી હુમલો
Published by: OBS Bureau
Last Updated: May 19, 2025, 05:31 PM IST

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં એક વેપારીએ ચૂકવેલા ફ્લેટના રૂપિયા પરત માંગતા બિલ્ડર સહિત ચાર શખ્સોએ તેને તલવારથી ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આ અંગે વેપારીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દરિયાપુર વિસ્તારના રહેવાસી અને સ્ક્રેપના વ્યવસાય સાથે જોડાયેલા અબ્દુલસમદ શેખે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ અબ્દુલરહેમાન પઠાણે કાલુપુર વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટ સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમમાં અબ્દુલસમદે એક ફ્લેટ બુક કરાવતા એડવાન્સ રૂપિયામાં 7 લાખ ચૂકવ્યા હતા. પરંતુ કેટલાક મહિના બાદ સ્પષ્ટ થયું કે સ્કીમ ગેરકાયદેસર જમીન પર બનાવી હતી, જેને પગલે AMC દ્વારા ઇમારત તોડી પાડવામાં આવી હતી.

આ ઘટના બાદ અબ્દુલસમદે પોતાનો ચૂકવેલ રકમ પરત માંગતા અબ્દુલરહેમાને રૂ. 1.80 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ. 5.20 લાખ હજુ સુધી ચૂકવ્યા નહોતા. 18 મેના રોજ અબ્દુલસમદે ફરીથી ફોન કરીને ચુકવણીની માંગણી કરતા, અબ્દુલરહેમાને તેને દાણીલીમડાની નવી સાઇટ પર બોલાવ્યો.

જ્યાં પર અબ્દુલરહેમાન સાથે તેના ભાઈ અબ્દુલ રજાક, તેમજ અબ્દુલરૌફ અને સાજીદ હાજર હતા. વાતચીત દરમિયાન હિસાબ બાબતે બોલાચાલી થતાં ચારેય શખ્સોએ ઉશ્કેરાઈને અબ્દુલસમદને લાતઘૂસા અને લાકડાંથી માર માર્યો અને બાદમાં તલવારથી ઘા મારી ફરાર થઈ ગયા. લોહીલુહાણ હાલતમાં અબ્દુલસમદે મિત્રને ફોન કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અબ્દુલરહેમાન પઠાણ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now