અમદાવાદ શહેરના વાડજ વિસ્તારના સેક્ટર-3 સી બ્લોકમાં કુટુંબ કલહને કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રિક્ષાચાલક ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણા (ઉંમર 32) પોતાના ઘરમાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો, જેના પગલે અણબનાવ હતો. તે દરમિયાન પત્નીના ભાઈઓ ત્યાં પહોંચી ગયા હતા. પરિવારજન વચ્ચે ઝઘડો થયો હતો અને વાત એટલી વધી ગઈ કે, ગુસ્સાના ઝોકમાં આવી પત્નીના ભાઈઓએ ભાવેશભાઈ પર હિંસા આચરી હતી.
પાંચમા માળેથી નીચે ફેંકી દીધા અને...
માહિતી અનુસાર, ઝઘડાની વચ્ચે આરોપીઓએ ભાવેશભાઈને માર માર્યો અને બાદમાં ગુસ્સામાં આવી તેમને પાંચમા માળેથી નીચે ફેંકી દીધા. ભારે ઊંચાઈ પરથી પડવાના કારણે ભાવેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આસપાસના લોકોએ આ ભયાનક દ્રશ્ય જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ હાથધરી
વાડજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આરોપી પત્નીના ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ કુટુંબ કલહ જ આ બનાવનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ બાદ સમગ્ર વાડજ સેક્ટર-3 વિસ્તાર ચકચારમાં આવી ગયો છે. પાડોશીઓએ પણ જણાવ્યું કે ભાવેશભાઈ અને તેમની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અણબનાવ ચાલતો હતો. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસના ચક્રો વધુ ઝડપથી ફરાવ્યા છે અને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.





















