બ્રિટિશ રેડિયો સ્ટેશને કિંગ ચાર્લ્સ III ના અવસાનની ખોટી જાહેરાત બદલ માફી માંગી
બ્રિટનના એક લોકપ્રિય રેડિયો સ્ટેશન 'રેડિયો કેરોલાઇન' (Radio Caroline) દ્વારા ટેકનિકલ ખામીના કારણે એક મોટી ભૂલ સામે આવી છે. સ્ટેશન પરથી ભૂલથી બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III ના અવસાનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે, આ ભૂલ સમજાતા જ રેડિયો સ્ટેશને તરત જ પોતાનું પ્રસારણ સુધારી લીધું હતું અને કિંગ ચાર્લ્સ તેમજ પોતાના શ્રોતાઓની જાહેરમાં માફી માંગી હતી.
કમ્પ્યુટર ખામીને કારણે એક્ટિવેટ થઈ ગઈ 'ડેથ પ્રોટોકોલ' પ્રક્રિયા
રેડિયો કેરોલાઇનના સ્ટેશન મેનેજર પીટર મૂરે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, મુખ્ય સ્ટુડિયોમાં આવેલી એક અણધારી કમ્પ્યુટર એરરના કારણે "ડેથ ઓફ અ મોનાર્ક" (રાજાના અવસાનની) કટોકટીની પ્રક્રિયા ભૂલથી એક્ટિવેટ થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, બ્રિટનના તમામ રેડિયો સ્ટેશનોમાં ભવિષ્યની કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે આવી ખાસ પ્રક્રિયા અગાઉથી જ સિસ્ટમમાં તૈયાર રાખવામાં આવે છે. આ ખોટી જાહેરાત થયા બાદ રેડિયો સ્ટેશન આપોઆપ થોડા સમય માટે બંધ (ઓફ-એર) થઈ ગયું હતું. આના કારણે જ ટેકનિકલ ટીમને ખામીની ખબર પડી, જેના પછી સામાન્ય પ્રસારણ ફરી શરૂ કરવામાં આવ્યું અને ઓન-એર માફી માંગવામાં આવી હતી. સ્ટેશન મેનેજરે કહ્યું, "અમે કિંગ અને અમારા તમામ શ્રોતાઓને આનાથી થયેલી અગવડતા બદલ દિલથી માફી માંગીએ છીએ."
1964 થી કાર્યરત છે આ રેડિયો સ્ટેશન
વર્ષ 1964 માં શરૂ થયેલું 'રેડિયો કેરોલાઇન' બ્રિટનનું એક જાણીતું રેડિયો સ્ટેશન છે. તે બ્રિટન ઉપરાંત બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સહિતના યુરોપના ઘણા દેશોમાં પ્રસારણ કરે છે અને ઓનલાઇન પણ ખૂબ જ લોકપ્રિય છે.
જે દિવસે આ ખોટી જાહેરાત થઈ, તે જ સમયે કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટના સત્તાવાર પ્રવાસે હતા. બકિંગહામ પેલેસના અહેવાલ મુજબ, બંનેએ ત્યાં થોમ્પસન ડોક ખાતે આયોજિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કિંગ ચાર્લ્સે ફેબ્રુઆરી 2024 માં સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે તેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. જોકે, ત્યારબાદ જાહેર કરેલા તેમના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે આ સારવારની ખૂબ જ સકારાત્મક અસર થઈ રહી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.





