મહાસત્તા અમેરિકા જે કાર્યવાહી કરે તેને અન્ય દેશો પણ અનુસરવા લાગે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતા જ ગેરકાયદેસર રીતે વસનારાઓને કાઢવાની કામગીરી કરી, અને હવે પશ્ચિમના દેશ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. બ્રિટન સરકારે પણ એવી જાહેરાત કરી હતી કે તેઓ પણ ગેરકાયદેસર રીતે વસનારાઓની ઓળખ કરી રહ્યા છે, તેમની ધરપકડ કરીને તેમને કાઢવાની કાર્યવાહી કરી રહ્યા છે.
શુ થઈ રહ્યુ છે બ્રિટનમાં?
બ્રિટનમાં એન્ફોર્સમેન્ટ ટીમ એવા લોકોની ઓળખ કરી રહી છે જે લોકો ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરતા હોય છે. જે લોકો પાસે દસ્તાવેજો ના હોય તે લોકો સ્કિલ્ડ જોબ નથી મેળવી શકતા, આ જ કારણથી તેમને નાના મોટા કામ કરવા પડે છે. મહદઅંશે આ લોકો પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, હોટલ, કાર વોશ સેન્ટર, બ્યૂટી પાર્લર અને સ્પા સેન્ટરમાં કામ કરે છે. અહીંના માલિકો આવા જ ગેરકાયદેસર રીતે વસનારા લોકોને કામ આપતા હોય છે, કારણકે તેઓની પાસે વધારે કામ લઈ શકાય છે અને તેઓને ઓછો પગાર આપવો પડે છે. ગત વર્ષની તુલનામાં બ્રિટનમાં ગેરકાયદેસર રીતે વસનારાઓની સંખ્યામાં 73 ટકા છે
બ્રિટનના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકી હતી કે ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા ઘૂસણખોરો સામેની છેલ્લા 5 દાયકાની કાર્યવાહીમાં જાન્યુઆરી મહિનો સૌથી સફળ રહ્યો છે, આપણી ઈમિગ્રેશન સિસ્ટમનો દુરપયોગ કરવામાં આવે તે અટકાવવું જરૂરી છે. જિંદગીને જોખમમાં મૂકીને ગેરકાયદેસર વસવાટ થતો હોય તો તેને ક્યારેય સમર્થન ના આપી શકાય.
બ્રિટનના નાગરિકો જ કંટાળ્યા
અમેરિકાની જેમ બ્રિટન પણ ઘણા વર્ષોથી ઘૂસણખોરી કરનારાઓથી ત્રસ્ત છે. જે લોકો પહેલેથી કાયદેસર રીતે આવીને વસે છે, તેમનાથી જ બ્રિટનના નાગરિકો નારાજ છે, તો વિચાર કરો જે લોકો ઘૂસણખોરો છે, તેમના માટે બ્રિટનમાં કેટલો આક્રોશ હશે, પહેલેથી મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યા છે, અને તેમાં પણ ગેરકાયદેસર રીતે આવનારા ઘૂસણખોરો... બ્રિટન સરકારની મુશ્કેલી વધારી રહ્યા છે. બ્રિટનના નાગરિકોના આરોપો મુજબ તો ઘૂસણખોરોના કારણે ગુનાહિત પ્રવૃતિઓમાં પણ અનેકગણો વધારો થયો છે. બ્રિટનની સરકાર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા સામે કાર્યવાહી કરવાની વાતો જ નથી કરતી, પરંતુ તેના લગતા ફોટો, વીડિયો અને ડેટા પુરાવા તરીકે રજૂ કરે છે. કેટલાક એવા ઘૂસણખોરો પકડાય છે, જેમના પર ડ્રગ્સ હેરાફેરી, રેપ જેવા ગંભીર આરોપ પણ લાગેલા હોય છે. જે લોકો ગેરકાયદેસર રીતે વસનારાઓને રોજગારી આપે છે, તેમની સામે પણ બ્રિટીશ સરકાર કાર્યવાહી કરી રહી છે.
અમેરિકાની જેમ બ્રિટનમાં પણ ભારતમાંથી
ઘૂસણખોરી કરનારા છે, પણ તે સંખ્યા ઘણી ઓછી છે.
જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલફેર ઓફ ઈમિગ્રન્ટ્સ નામની સંસ્થાના કહેવા મુજબ
બ્રિટનમાં કેટલા લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, તેનો ચોક્કસ
આંકડો નથી. એક અંદાજા મુજબ સૌથી વધારે એશિયાઈ
દેશના નાગરિકો બ્રિટનમાં ખોટી રીતે ઘૂસણખોરી કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ 18થી 29
વર્ષની વયજૂથમાં આવનારા જે લોકો ઘૂસણખોરી કરે છે તે લોકોની સંખ્યા 60 ટકા સુધી થઈ
ગઈ છે. ઘણા એવા લોકો છે જે લોકો ખોટી રીતે પહોંચી જાય છે, અને ત્યા
સરેન્ડર થઈ જાય છે, જેથી તેમને અસાયલમ એટલે કે આશ્રિત તરીકે રહેવા મળે...
ડંકી રૂટમાં પહોંચી જાય છે બ્રિટન
મહત્વનું છે કે લેભાગુ એજન્ટો એવા લોકોની શોધમાં રહેતા હોય છે જેઓને કોઈ પણ કિંમતમાં અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં જવું હોય છે, એજન્ટો આવા લોકોને ડન્કી રૂટમાં મોકલતા હોય છે, એજન્ટો આવા લોકો પાસેથી મોટી રકમ વસૂલી લે તે બાદ તેમણે જંગલો, નાની-મોટી નદીઓ અને દરિયો પાર કરાવે છે, આ રીતે પહોંચવામાં અનેક લોકોના મોત થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે... ઘણા કિસ્સાઓમાં જે તે દેશની બોર્ડર ઓળંગવામાં ત્યાની સેના ફાયરિંગ પણ કરી દેતી હોય છે, અથવા તેમને જેલમાં પૂરી દે છે.
ભારતે પણ ઘૂસણખોરોને હંકાર્યા
અમેરિકા અને બ્રિટન જ નહીં પરંતુ ભારત પણ એવા લોકો સામે કાર્યવાહી કરી રહ્યુ છે જે લોકો ખોટી રીતે દેશમાં ઘૂસ્યા હોય. ભારતમાં સૌથી વધારે બાંગ્લાદેશના રોહિંગ્યા ઘૂસણખોરી કરતા હોય છે, અને આ ઘૂસણખોરી કરનારાઓની સંખ્યા ખૂબ મોટી છે. ગુજરાતમાંથી જ 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
વાત જ્યારે ગેરકાયદેસર રીતે વસનારા
ઈમિગ્રન્ટ્સની આવે ત્યારે દરેક દેશ કડકાઈનું વલણ અપનાવે છે, એટલે સ્વાભાવિક
છે કે કોઈપણ દેશ અન્ય દેશની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતું નથી. પછી તે અમેરિકા અને બ્રિટનની કાર્યવાહીમાં ભારત
સવાલ ઉઠાવી શકતુ નથી, અને ભારતની કાર્યવાહીમાં બાંગ્લાદેશ પણ સવાલ ના જ ઉઠાવી શકે. દરેક
રાષ્ટ્રના વડા નેશન ફર્સ્ટની પોલિસી પર કામ કરતા હોય છે, પછી તે અમેરિકા, બ્રિટન અને ભારત
કેમ ના હોય.





