Home Gujarat Bride Absconds With Jewellery And Cash Worth Rs 1130 Lakh After Completing Wedding Gandhinagar

લગ્નવિધિ પતાવી 11.30 લાખના દાગીના-રોકડ લઈ દુલ્હન થઈ રફ્ફુ ચક્કર : 'માતાજીના દર્શન કરીને જ્યોતિને લઇ જજો', ફોન સ્વિચ ઓફ કરી દેતા જાણ થઈ છેતરપિંડીની!

લગ્નવિધિ પતાવી 11.30 લાખના દાગીના-રોકડ લઈ દુલ્હન થઈ રફ્ફુ ચક્કર
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 10:43 AM IST

ગાંધીનગરના એક યુવક સાથે લગ્નની આડમાં 11.30 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના ચકચારભર્યા બનાવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની યુવતીએ દુલ્હન બની લગ્નવિધિ પૂર્ણ કર્યા બાદ દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ મામલે બાકોર પોલીસ મથકે કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

લૂંટેરી દુલ્હન!

ગાંધીનગરના મોટા ઇસનપુર વિસ્તારમાં રહેતા રિકેશકુમાર પટેલ લગ્ન માટે કન્યાની શોધમાં હતા. આ દરમિયાન પોયડાના જયરાજસિંહ ઉર્ફે રાજુભાઈ ચૌહાણનો સંપર્ક થયો હતો. તેમણે ખાનપુર તાલુકાના કુંભાયડી ગામની જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન નક્કી કરાવ્યા હતા. લગ્ન પૂર્વે સગાઈ, કપડાં અને જમણવારના નામે રિકેશકુમાર પાસેથી ટુકડે-ટુકડે મોટી રકમ વસૂલવામાં આવી હતી. 16 જાન્યુઆરીના રોજ રિકેશકુમાર પરિવાર સાથે જાન લઈને મહિસાગર જિલ્લાના પાંડરવાડા પહોંચ્યા હતા. ત્યાંથી તેમને ઝેર સીમલા ભાઠોડ ગામ નજીકના જંગલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં જ્યોતિને દુલ્હન તરીકે તૈયાર કરી ખોટી રીતે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. લગ્ન સમયે રિકેશકુમારના પિતાએ સોના-ચાંદીના દાગીના પહેરાવ્યા હતા તેમજ રૂ. 2.15 લાખ રોકડ આપવામાં આવ્યા હતા.

મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેતા જાણ થઈ કે...

લગ્નવિધિ પૂર્ણ થયા બાદ વિદાય સમયે આરોપીઓએ “માતાજીના દર્શન કરીને જ્યોતિને લઇ જજો” તેમ કહી દુલ્હનને ઇકો ગાડીમાં બેસાડી હતી. ત્યારબાદ રિકેશકુમારના પરિવારજનોએ ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી ફરાર થઈ ગયા હતા અને તમામના મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. પછી સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સમજાતા રિકેશકુમારે જ્યોતિબેન, જયરાજસિંહ, રાકેશભાઈ સહિત અન્ય સાગરિતો સામે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ ‘લૂંટેરી દુલ્હન’ અને તેના સાગરિતોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી છે. ઉલ્લેખનીય છે કે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન ઇચ્છુક યુવકો અને તેમના પરિવારજનોને લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવોમાં વધારો થયો છે. અગાઉ પણ આણંદ જિલ્લામાં આવી ગેંગ ઝડપાઈ હતી, જેણે અનેક લોકોને ભોગ બનાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now