Ganesh Gondal vs Alpesh Kathiriya: ગુજરાતના રાજકારણમાં આજે સૌ કોઈની નજર ગોંડલ પર છે. કારણકે, હાલમાં જ ક્ષત્રિય નેતા ગણેશ ગોંડલે પાટીદાર નેતાઓને મંચ પરથી ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ગણેશ ગોંડલે અલ્પેશ કથીરિયા સહિતના આંદોલન સમયથી નેતા બનેલા પાટીદાર ચહેરોને ટાર્ગેટ કરીને પડકાર ફેંક્યો હતો. ખાસ કરીને ગણેશ ગોંડલે અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યું હતુંકે, મા નુ ધાવણ ધાવ્યું હોય તો ગોંડલમાં પગ મુકીને બતાવજે. આ પડકાર બાદ ગણેશ ગોંડલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટર વોચ ચાલી. ગણેશ ગોંડલના પડકાર બાદ ગોંડલ અલ્પેશ કથીરિયાએ એ ચેલેન્જ સ્વીકારી ગણેશ ગોંડલના ઘર સુધી આપવાની વાત કરી હતી.
આજે 27 એપ્રિલ 2025ને રવિવારના રોજ અલ્પેશ કથીરિયા પોતાના અન્ય પાટીદાર અગ્રણીઓ અને સમર્થકો સાથે ગોંડલ આવી રહ્યાં છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું હતુંકે, અમે કોઈનાથી ડરતા નથી. અમે બિંદાસ્ત ગોંડલમાં આવીશું ત્યાંની બજારમાં ફરીશું. એટલું જ નહીં અલ્પેશ કથીરિયાએ એવું પણ કહ્યું હતુંકે, ગોંડલ કોઈના બાપ-દાદાની પેઢી નથી કે અમે ડરીને ત્યાં ના આવી શકીએ. અમે આવીશું અને ગોંડલની દરેક જગ્યાએ ફરીશું. ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર નિશાન સાધતા કહ્યું હતુંકે,ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર રહેશે.
જેને પગલે હાલમાં જ અલ્પેશ કથીરિયાના સમર્થકો ગોંડલ પહોંચી ચૂક્યાં છે. પાટીદાર મહિલા અગ્રણી જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. તો એવા પણ સમાચાર સામે આવ્યાં છેકે, વિરોધ કરી રહેલાં લોકો દ્વારા ધાર્મિક માલવીયાની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો છે. વિરોધી પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથીરિયા ના સમર્થકો સામ સામે આવી ગયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે.
હવે આજે અલ્પેશ કથીરિયા અન્ય પાટીદાર અગ્રણીઓ સાથે ગોંડલ આપવા રવાના થયો છે. ત્યારે સમગ્ર ગોંડલમાં પરિસ્થિતિ તંગ જણાઈ રહી છે. સ્થિતિ કંટ્રોલ બહાર ન જાય તે આશયથી આજે આખું ગોંડલ એક પ્રકારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ. બે યુવા નેતાઓની લડાઈ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. જેને કારણે ગોંડલ માટે આજનો દિવસ ભારે જણાઈ રહ્યો છે.
પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો જંગઃ
ગોંડલના રાજકારણમાં મેદાન જંગ થવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ ગોંડલે બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઇને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી”... આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. તો બીજી તરફ ગણેશ ગોંડલે જવાબ આપ્યો હતો કે પાટીદાર યુવકોનું સ્વાગત કરાશે.
ગણેશ ગોંડલે અલ્પેશ કથીરિયાને શું ચેલેન્જ આપી હતી?
થોડા સમય પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. અલ્પેશ કથીરિયા પર પ્રહાર કરતા કહ્યું, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી નથી શક્તી.”
અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલ વિશે શું કહ્યું હતું?
ગણેશ ગોંડલે જ્યારે એવો પડકાર ફેંક્યો હતો કે, તાકાત હોય તો ગોંડલમાં પગ મુકી બતાવજો, અડધી રાત્રે તમારું સ્વાગત કરવા હું તૈયાર બેઠો હોઈશ. ત્યારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ જવાબમાં કહ્યું હતુંકે, ગોંડલ કોઈના બાપ-દાદાની પેઢી નથી, કે અમે ડરીને ત્યાં ના આવી શકીએ. અમે આવીશું અને ડંકાની ચોટ સાથે આવીશું. એ મામલાના પોસ્ટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે આજે આ નેતાઓ ગોંડલ પહોંચી રહ્યાં છે. જેને કારણે ગોંડલમાં આજે કંઈક મોટું થવાના એંધાણ છે. તેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગોંડલમાં ખડકી દેવામાં આવ્યો છે.






