Melania Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના અંગત જીવનમાં ઉથલપાથલની અટકળો વચ્ચે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલી 'એપસ્ટિન ફાઈલ્સ' મુદ્દે મેલાનિયા ટ્રમ્પે પહેલીવાર મૌન તોડ્યું છે, પરંતુ તેમના આ નિવેદને વિવાદને શાંત કરવાને બદલે પ્રમુખ ટ્રમ્પ સાથેના તેમના સંબંધોમાં તિરાડ હોવાના સંકેતો વહેતા કરી દીધા છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મેલાનિયાએ જેફરી એપસ્ટિન સાથેના કોઈ પણ સંબંધોનો સખત શબ્દોમાં ઇનકાર કર્યો છે.
આ ઘટનાક્રમમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમને ફર્સ્ટ લેડીના આ નિવેદન વિશે અગાઉથી કોઈ જ જાણકારી નહોતી. મેલાનિયાએ જે રીતે ગંભીરતાથી અને ધ્રૂજતા હાથે પોતાની નોટ્સ વાંચી, તેનાથી વ્હાઈટ હાઉસના ગલિયારામાં એવી ચર્ચા તેજ બની છે કે શું ટ્રમ્પ દંપતી વચ્ચે બધું બરાબર નથી? શું એપસ્ટિન વિવાદ હવે ટ્રમ્પના લગ્નજીવનમાં ભંગાણનું કારણ બનશે?
મેલાનિયાની સ્પષ્ટતા: 'હું એપસ્ટિનની પીડિત નથી'
મેલાનિયા ટ્રમ્પે જેફરી એપસ્ટિન સાથેના તેમના જોડાણને લઈને ચાલી રહેલી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વર્ષ 2000માં તેમની એપસ્ટિન સાથે માત્ર એક ઔપચારિક અને નાની મુલાકાત થઈ હતી. તેમણે એ વાતને પાયાવિહોણી ગણાવી હતી કે જેફરી એપસ્ટિને જ તેમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી. મેલાનિયાએ જણાવ્યું હતું કે, તેમની છબી ખરાબ કરવા માટે આ એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે અને જેઓ આવા દાવા કરે છે તેમની સામે તેઓ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે.
આ પણ વાંચો: યુદ્ધવિરામ પછી પણ તણાવ : ટ્રમ્પે ઈરાનને આપી કડક ચેતવણી! જાણો કેમ ભડક્યો વિવાદ
ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન: 'મને ખબર જ નહોતી કે મેલાનિયા શું બોલશે'
મેલાનિયાના ભાષણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, "મને મેલાનિયાના આ નિવેદન વિશે અગાઉથી કોઈ જ ખબર નહોતી. ફર્સ્ટ લેડી શું બોલવાના છે તે વિશે હું સંપૂર્ણપણે અજાણ હતો." ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકન મીડિયામાં એવી અટકળો તેજ થઈ છે કે પ્રમુખ અને ફર્સ્ટ લેડી વચ્ચે સંવાદિતાનો અભાવ છે. નિષ્ણાતો માને છે કે આ પ્રકારની જાહેર કબૂલાત એ દંપતી વચ્ચેના વણસેલા સંબંધોનો પુરાવો હોઈ શકે છે.
શું ટ્રમ્પ અને મેલાનિયા છૂટાછેડા લેશે?
વ્હાઈટ હાઉસના સૂત્રો મુજબ, એપસ્ટિન ફાઈલ્સમાં જે રીતે નવા ખુલાસા થઈ રહ્યા છે, તેનાથી મેલાનિયા ટ્રમ્પ ભારે દબાણમાં છે. ભાષણ દરમિયાન તેમની ગંભીરતા અને ધ્રૂજતા હાથોએ અનેક સવાલો ઉભા કર્યા છે. એવી ચર્ચાઓ છે કે મેલાનિયા હવે ટ્રમ્પ સાથેના સંબંધોનો અંત લાવવાની દિશામાં વિચારી રહ્યા છે. જો આવું થશે, તો અમેરિકન રાજકારણના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના હશે, જ્યાં સત્તામાં રહેલા પ્રમુખના પત્ની પદ પર હોવા છતાં અલગ થવાનો નિર્ણય લેશે.
પીડિતોમાં ભારે રોષ: ફર્સ્ટ લેડી પર ઉઠ્યા સવાલો
બીજી તરફ, જેફરી એપસ્ટિનના જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાઓ અને સર્વાઈવર્સે મેલાનિયાના નિવેદન સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પીડિતોનું કહેવું છે કે ફર્સ્ટ લેડી સત્તામાં બેઠેલા શક્તિશાળી લોકોનો બચાવ કરી રહ્યા છે અને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પીડિતોના મતે, મેલાનિયાએ સંસદમાં સુનાવણીની માંગ કરી છે તે સારી વાત છે, પરંતુ તેઓ પોતે જે રીતે ડિફેન્સિવ મોડમાં છે તે શંકા ઉપજાવે છે.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ ભારત એક્શનમાં : મોદીના 'ત્રણ ધુરંધરો' મેદાને, જાણો શું છે માસ્ટરપ્લાન?
કોણ હતો જેફરી એપસ્ટિન?
જેફરી એપસ્ટિન અમેરિકાનો એક કુખ્યાત બિઝનેસમેન હતો, જેની પર સગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગ અને જાતીય શોષણના ગંભીર આરોપો હતા. તેના સંબંધો વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારો સાથે હતા. વર્ષ 2019માં તેની ધરપકડ થઈ હતી, પરંતુ જેલમાં ટ્રાયલ દરમિયાન જ તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. તેની પાછળ છોડેલી 'ફાઈલ્સ' આજે પણ દુનિયાભરના શક્તિશાળી લોકોના જીવ તાળવે ચોંટાડી રહી છે.





