Home International India In Action After Iran Us Ceasefire Pm Modi Activated Three Main Diplomatic Faces Globally

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ ભારત એક્શનમાં : મોદીના 'ત્રણ ધુરંધરો' મેદાને, જાણો શું છે માસ્ટરપ્લાન?

Iran-US Ceasefire & India's Diplomacy
Published by: Nirali Gohil
Last Updated: Apr 10, 2026, 06:41 AM IST

Iran-US Ceasefire & India's Diplomacy: પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા સમયબદ્ધ યુદ્ધવિરામે વૈશ્વિક રાજકારણને એક નવો વળાંક આપ્યો છે. આ સ્થિતિનો લાભ લેવા અને ભારતના હિતોને સુરક્ષિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અત્યંત ઝડપથી પોતાના કૂટનીતિક ઘોડા દોડાવ્યા છે. ખાસ કરીને ભારતની ઊર્જા સુરક્ષા (Energy Security) જોખમાય નહીં અને ક્રૂડ ઓઈલ તેમજ ગેસનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે નવી દિલ્હીએ એક વ્યૂહાત્મક 'બ્લુ પ્રિન્ટ' તૈયાર કરી છે.

ભારત સરકારે આ મિશન માટે પોતાના ત્રણ સૌથી અનુભવી અને પ્રભાવશાળી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી અને વિદેશ સચિવ વિક્રમ મિસરી હાલમાં અલગ-અલગ દેશોના પ્રવાસે છે. આ ત્રણેય ધુરંધરો ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજદ્વારી રીતે મજબૂત કરવા માટે મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. જાણો, આ ગેમ-ચેન્જર પ્લાનથી ભારતને શું ફાયદો થશે.

એસ. જયશંકર: ગલ્ફ દેશોમાં ભારતની પકડ કરશે મજબૂત

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાતે છે. યુએઈ ભારત માટે તેલના મુખ્ય સપ્લાયર્સ પૈકીનું એક છે. જયશંકરની આ મુલાકાત માત્ર ઉર્જા સહયોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પ્રાદેશિક સ્થિરતા અને વેપાર વધારવા માટેનો માસ્ટરસ્ટ્રોક ગણાઈ રહી છે. જો ગલ્ફ ક્ષેત્રમાં સ્થિરતા જળવાય તો ભારતને સસ્તું તેલ અને સુરક્ષિત ટ્રેડ રૂટ મળી શકે છે, જેના કારણે જયશંકરની આ ભૂમિકા "ગેમ ચેન્જર" સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: યુદ્ધવિરામ પછી પણ તણાવ : ટ્રમ્પે ઈરાનને આપી કડક ચેતવણી! જાણો કેમ ભડક્યો વિવાદ

હરદીપ સિંહ પૂરી: LPG અને LNG ના પુરવઠા પર નજર

બીજી તરફ, ભારતની રસોઈમાં ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી કતાર પહોંચ્યા છે. કતાર ભારત માટે લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) અને LPG નો સૌથી મોટો સ્ત્રોત છે. યુદ્ધ જેવી સ્થિતિ બાદ ભાવમાં થતો વધારો રોકવા અને પુરવઠાની સાંકળને અતૂટ રાખવા માટે પુરીની કતારના નેતાઓ સાથેની ચર્ચા ખૂબ જ અગત્યની છે. આ મુલાકાતથી ભારતમાં ગેસના ભાવ સ્થિર રહેવાની આશા છે.

વિક્રમ મિસરી: અમેરિકા સાથે વ્યૂહાત્મક સંતુલન

જ્યારે એશિયામાં મંત્રીઓ સક્રિય છે, ત્યારે વિદેશ સચિવ વિક્રમ મિસરી અમેરિકા માં છે. તેઓ અમેરિકન વહીવટીતંત્ર સાથે વૈશ્વિક ઉર્જા બજાર અને પશ્ચિમ એશિયાના નવા સમીકરણો પર ચર્ચા કરી રહ્યા છે. અમેરિકા સાથેનો આ સહયોગ ભારતને ઉર્જાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવામાં અને ભૂ-રાજકીય સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. ભારત હવે માત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું નથી, પણ ભવિષ્યના આંચકાઓ સામે રક્ષણ મેળવવા સક્રિય રીતે 'ડિપ્લોમેટિક ફિલ્ડિંગ' ભરી રહ્યું છે.

ભારત માટે આ કેમ જરૂરી છે?

ભારત પોતાની તેલની જરૂરિયાતનો 80% થી વધુ હિસ્સો આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં કોઈપણ અસ્થિરતા સીધી રીતે ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર અસર કરે છે. યુદ્ધવિરામ બાદ જો ભારત સમયસર પગલાં ન લે તો તેલના ભાવમાં ઉછાળો મોંઘવારી વધારી શકે છે. તેથી, મોદી સરકારની આ 'ત્રિપાંખિયો' રણનીતિ ભારતને વૈશ્વિક આંચકાઓથી બચાવવા માટેનું સુરક્ષા કવચ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now