Home Gujarat Bomb Threat Parul University Vadodara Godhra Surendranagar Post Office Cyber Cell Investigates Bomb Threat Emails To Gujarat Educational Institutes

શાળાઓ અને કોર્ટ બાદ હવે યુનિવર્સિટીઓ નિશાને : ગુજરાતના ત્રણ શહેરોમાં ધમકીભર્યા મેઈલ મળતા હાઈ-એલર્ટ, સાયબર સેલ એક્શનમાં; સઘન સર્ચ ઓપરેશન શરૂ

શાળાઓ અને કોર્ટ બાદ હવે યુનિવર્સિટીઓ નિશાને
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 07:34 AM IST

Bomb Threat: ગુજરાતમાં ફરી એકવાર 'ઈ-મેઈલ બોમ્બ'ની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. મંગળવારે એટલે કે, આજે વડોદરાની પ્રતિષ્ઠિત પારુલ યુનિવર્સિટી સહિત પંચમહાલના ગોધરા અને સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. એક તરફ વડોદરાની યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં હોવાની આશંકાથી ભારે અફરાતફરી સર્જાઈ હતી, તો બીજી તરફ ગોધરા અને સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓને નિશાન બનાવી બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. તમામ સ્થળોએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નિશાન બનાવીને મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલ્સને પગલે હજારો લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વડોદરામાં દેશ-વિદેશના 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી પારુલ યુનિવર્સિટીમાં જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી. તો સુરેન્દ્રનગર અને ગોધરામાં પાસપોર્ટ કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ જેવી વ્યસ્ત જગ્યાઓ પરથી લોકોને તાત્કાલિક બહાર કાઢીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમની ટીમો હવે આ તમામ ઈ-મેઈલ્સના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 65 હજાર વિદ્યાર્થીઓમાં ફફડાટ

વડોદરાના વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. યુનિવર્સિટી પ્રશાસનને અજાણ્યા આઈડી પરથી ઈ-મેઈલ મળતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કેમ્પસમાં ઉતારી દેવામાં આવી હતી. 75થી વધુ દેશોના વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તેવા સંવેદનશીલ કેમ્પસમાં દરેક બિલ્ડિંગ અને હોસ્ટેલ વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે,પારુલ યુનિવર્સિટી તેની વૈવિધ્યતા માટે જાણીતી છે, પારુલ યુનિવર્સિટીમાં માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિશ્વના 75થી વધુ દેશોના અંદાજે 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આવા સંવેદનશીલ શૈક્ષણિક સંકુલને નિશાન બનાવીને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા ધરાવતી આ સંસ્થાને મળેલી ધમકીને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા બંદોબસ્ત યથાવત રહેશે અને ઈ-મેઈલ મોકલનાર શખ્સ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગોધરા: પાસપોર્ટ ઓફિસ અને મુખ્ય પોસ્ટ ઓફિસ નિશાને

પંચમહાલના ગોધરામાં પણ બોમ્બની ધમકીનો પડઘો પડ્યો હતો. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને ઉડાવી દેવાનો ઈ-મેઈલ આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઓફિસના કામકાજ અટકાવીને સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. અગાઉ પણ ગોધરામાં આવી ધમકીઓ મળી હોવાથી પોલીસ દ્વારા આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે.

સુરેન્દ્રનગર: ટાવર પાસે આવેલી પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ

સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ટાવર ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી આ ઓફિસમાં જ્યારે મેઈલ મળ્યો ત્યારે અંદર અનેક ગ્રાહકો હાજર હતા. પોલીસે તાત્કાલિક ગ્રાહકો અને સ્ટાફને સલામત રીતે બહાર કાઢ્યા હતા. LCB, SOG અને ફાયર બ્રિગેડની ટીમોએ સાથે મળીને આખી બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મેટલ ડિટેક્ટરની મદદથી પાર્સલ વિભાગ અને કેશ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી હતી.

સાયબર સેલ દ્વારા 'ફેક ઈ-મેઈલ' એંગલની તપાસ

રાજ્યભરમાં એકસાથે મળેલી આ ધમકીઓને પગલે સાયબર સેલ સક્રિય થયું છે. પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ શાળાઓ અને કોર્ટને પણ આ પ્રકારે હોક્સ (નકલી) ઈ-મેઈલ્સ મળ્યા હતા. આ ઘટનામાં પણ કોઈ એક જ ગેંગ અથવા વ્યક્તિનો હાથ હોવાની આશંકા છે. આઈપી એડ્રેસ ટ્રેસ કરીને ધમકી આપનાર શખ્સો સુધી પહોંચવા માટે પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now