Home Business Black Friday In Stock Market Investors Lost More Than Rs 3 Lakh Crore Due To The Crash In Sensex Nifty 4 Main Reasons For Decline

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો બોલાતા રોકાણકારોના રૂ.3 લાખ કરોડથી વધુ ધોવાયા, જાણો શું છે ઘટાડાના 4 મુખ્ય કારણો

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:33 AM IST

ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજારમાં અચાનક ભારે વેચવાલી જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટીને 81,700ની સપાટીથી નીચે સરકી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુનો ગાબડો નોંધાતા તે 25,300 ના સ્તરે પહોંચી હતી. બેંક નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં અંદાજે ₹3.35 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે.

બજારમાં ચોતરફ લાલચોળ નિશાન જોવા મળી રહ્યું છે. BSEના ટોપ 30 શેરોમાંથી 24 શેરોમાં ગાબડાં પડ્યા હતા, જેમાં એરટેલ, ઇન્ડિગો અને મારુતિ જેવા મોટા શેરો 2 ટકાથી વધુ તૂટ્યા હતા. આઈટી અને ઓઈલ એન્ડ ગેસ જેવા જૂજ સેક્ટર્સને બાદ કરતાં તમામ સેક્ટર નેગેટિવ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ વૈશ્વિક નરમાઈથી લઈને વિદેશી રોકાણકારોની વેચવાલી સુધીના અનેક પરિબળો જવાબદાર માનવામાં આવે છે.

આ 4 કારણોને લીધે બજારમાં મચી ચીસાચીસ

શેરબજારમાં શુક્રવારે આવેલા કડાકા પાછળ મુખ્યત્વે નીચે મુજબના ચાર કારણો જવાબદાર છે:

  1. વૈશ્વિક બજારોમાં નરમાઈ: અમેરિકન બજાર S&P 500 અને યુરોપિયન બજારોમાં નબળાઈને કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ બગડ્યું હતું. એશિયન બજારોમાં પણ NASDAQ ની નબળાઈની અસર જોવા મળી, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે.

  2. FII ની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. માત્ર ગુરુવારે જ FII એ અંદાજે ₹3,465.99 કરોડની કિંમતના શેર વેચ્યા હતા, જેના કારણે બજાર પર દબાણ વધ્યું હતું.

  3. ઇન્ડિયા VIX માં ઉછાળો: બજારમાં ડરનો ઇન્ડેક્સ ગણાતો 'ઇન્ડિયા VIX' 3% વધીને 13.44 ના સ્તર પર પહોંચ્યો છે. આ ઉછાળો બજારમાં અસ્થિરતા અને રોકાણકારોમાં ફેલાયેલા ડરના માહોલને સ્પષ્ટપણે દર્શાવે છે.

  4. બ્લુચિપ શેરોમાં ગાબડાં: એરટેલ અને ઇન્ડિગો જેવા હેવીવેઇટ શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મોટા શેરોમાં વેચવાલી આવે છે, ત્યારે તે સમગ્ર બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક બનાવે છે.

કયા શેરોમાં સૌથી વધુ કડાકો બોલાયો?

બજારમાં કેટલાક મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તો મોટું ધોવાણ થયું હતું. જેમાં Renaissance Global 11% તૂટ્યો હતો. આ ઉપરાંત CreditAccess Grameen અને વિશાલ મેગા માર્ટમાં 7% નો ઘટાડો નોંધાયો હતો. કરુર વૈશ્ય બેંક 5% અને ટાટા કોમ્યુનિકેશન 4% થી વધુ ઘટ્યા હતા.

આંકડાની નજરે બજારની સ્થિતિ

શુક્રવારે કુલ 4,144 શેરોમાં ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 2,475 શેર ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે માત્ર 1,483 શેરમાં તેજી જોવા મળી હતી. ચિંતાજનક બાબત એ છે કે 256 શેર 52 અઠવાડિયાની નીચી સપાટીએ (Low) પહોંચી ગયા હતા. લગભગ 132 શેરોમાં લોઅર સર્કિટ વાગી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now