ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેઓના ત્રણ દિવસના પ્રથમ ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદના ખાતે સરદાર વલ્લભ પટેલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરક શાહ સહિત ભાજપા આગેવાનઓ અને અગ્રણીઓએ તેઓને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતાં. અમદાવાદ એરપોર્ટ ખાતે નીતિન નવીનને આવકારવા ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતાં.

'ગુજરાતની ધરતીના લાલ નરેન્દ્ર મોદી આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છે'
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીના લાલ નરેન્દ્ર મોદી આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છે તે ધરતીને નમન કરું છું. આ ધરતી પરથી ગાંધીજીએ અહિંસાનો વિચાર આપ્યો જેના બળે પૂર્ણ વિશ્વમાં ભારતની અલગ ઓળખ છે. ભારતને એક કરવાનું બીડું જેમણે ઉપાડ્યું એવા સરદાર પટેલનું કામ સૌ ગુજરાતીઓને ગૌરવાંવિત કરે છે. ગુજરાતે અનેક મહાપુરુષ દેશને આપ્યા છે જેમણે દેશની સંસ્કૃતિ અને વિરાસતને વધારી છે. 21 મી સદીનું ભારત વિકાસની દિશામાં વિરાસત સાથે આગળ વધી રહ્યું છે તેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આજ ગુજરાતની ધરતીના પુત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપાને સૌથી મોટો વિસ્તાર આપ્યો છે. કાર્યકર્તાઓના પરિશ્રમ,સંઘર્ષ અને પુરુષાર્થથી આજે ગુજરાત વિકસીત ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે.
'ગુજરાતે ભાજપાની સરકાર હેઠળ વિકાસનો સકારાત્મક અનુભવ કર્યો'
નીતિન નવીનએ જણાવ્યું હતું કે, ગુજરાતે લાંબા સમયથી ભાજપાની સરકાર હેઠળ વિકાસનો સકારાત્મક અનુભવ કર્યો છે. ભાજપાના નેતૃત્વગણે ગુજરાતના એક એક ગામડા અને નગર સુધી વિકાસની યોજનાઓ પહોંચાડી છે અને જનજનને વિકાસયાત્રા સાથે જોડ્યા છે. આજે ગુજરાત માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ અને દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે. તેમણે ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે જનતાના આશીર્વાદના બળ પર જ મોદીજી દેશને સતત પ્રગતિના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે.
નીતિન નવીનએ જણાવ્યું કે, ગુજરાતના -બહેનોએ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ગુજરાતને આંદોલનની જનની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં આંદોલન ફક્ત પરિવર્તન માટે જ નહીં, વિકાસ માટે અને નવી ઊર્જાના સંચાર માટે પણ થાય છે. ગુજરાતની જનતા ફક્ત રાજ્ય માટે સરકાર પસંદ કરતી નથી, પરંતુ એવા નેતૃત્વને પસંદ કરે છે જેના બળ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે. આપણે સૌએ વડાપ્રધાનના વિચારોને અનુરૂપ જનતા સાથે સતત જોડાયેલા રહીને સેવાને પોતાનો ધર્મ માની કાર્ય કરવાનું છે. વડાપ્રધાન જે ભાવ સાથે જનસેવામાં જોડાયેલા રહ્યા છે.




















