Home Gujarat Bjp Leader Mukesh Shrimali Arrested In Mahisagar Tap Water Scam

મહીસાગર નળ સે જળ કૌભાંડમાં કાર્યવાહી : વધુ એક ભાજપ નેતાની કરી ધરપકડ, ચિરાગ પટેલ બાદ મુકેશ શ્રીમાળી સંકજામાં

મહીસાગર નળ સે જળ કૌભાંડમાં કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 07:12 AM IST

મહીસાગર જિલ્લામાં સામે આવેલા મસમોટા અંદાજે 123 કરોડ રૂપિયાના નળ સે જળ યોજનાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. CID ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક ભાજપ નેતાની ધરપકડ કરી છે, જેને કારણે સમગ્ર મામલો વધુ ગરમાયો છે. CID ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તથા ભાજપના જુના કાર્યકર્તા મુકેશ શ્રીમાળીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુકેશ શ્રીમાળી પાસેથી સરકારને કુલ રૂ. 1,76,97,169.25 જેટલી મોટી રકમની રિકવરી કરવાની હજુ બાકી છે.

અત્યાર સુધી ત્રણ ભાજપ નેતાઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારસુધીમાં કુલ ત્રણ ભાજપ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ, ત્યારબાદ ખાનપુર તાલુકાના પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્ર માલીવાડ (ડી.પી. માલીવાડ) અને હવે મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ મામલે 22 જૂનના રોજ હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે CID ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને ધીમે ધીમે કૌભાંડની મોટી ચેઇન બહાર આવી રહી છે.

19 કૌભાંડીઓને ઝડપી પાડ્યા

CID ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓ પૈકી 4 કર્મચારીઓ તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 15 ઇજારદારો સહિત કુલ 19 કૌભાંડીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત ફરિયાદમાં નામ ન હોવા છતાં તપાસ દરમિયાન સંડોવાયેલા હોવાનું બહાર આવતા અન્ય 4 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ, ભાજપ નેતા મુકેશ શ્રીમાળી સહિત અત્યારસુધીમાં કુલ 23 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

આ કેસમાં અત્યારસુધીમાં 20 કૌભાંડીઓ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેમાંથી 18ની અરજી કોર્ટ દ્વારા ફગાવી નામંજૂર કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓને હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now