Gujarat Politics: કોંગ્રેસે રેસના ઘોડા દોડાવવા માટે અમિત ચાવડાના હાથમાં ચાબુક આપી દીધી છે. ત્યારે ભાજપ પણ હવે મતદારોની ભીડ ભેગી કરવા નવના પ્રમુખની શોધમાં છે. નવસારીથી સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્ન તો ક્યારની પુરી થઈ ચુકી છે. હવે નવા નામની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છેકે, આખરે કોણ બનશે ગુજરાત ભાજપના નવા કેપ્ટન? અમિત શાહ અને પીએમ મોદી કોને સોંપી શકે છે ગુજરાત ભાજપની કમાન? છેલ્લાં 45 વર્ષોમાં અત્યાર સુધી ગુજરાત ભાજપના 13 પ્રદેશ પ્રમુખ બદલાયા છે. હવે 14મા પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે બંધાય છે તેના પર સૌ કોઈની નજર છે.
જે.પી.નડ્ડા બાદ ભાજપના નવા રાષ્ટ્રિય અધ્યક્ષ કોણ બનશે તેના માટે પણ અલગ-અલગ નામોની ચર્ચા ચાલી રહી છે. એવામાં સંભવતઃ ભાજપના નવા રાષ્ટ્રિય અધ્યક્ષના નામની જાહેરાત બાદ જ ગુજરાત પ્રદેશની કમાન નવા પ્રમુખને સોંપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આમ, ભારતીય જનતા પાર્ટીમાં મોટા બદલાવની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.
વિધાનસભાની પેટાચૂંટણીઓના પરિણામો આવતાની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. ત્યાર બાદ ફરી એકવાર કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરીને રાહુલ ગાંધી અમિત ચાવડા પર ભરોસો મુક્યો છે. અમિત ચાવડાને ફરી એકવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવીને 2027ની વિધાનસભાની ચૂંટણી જીતાડવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. જોકે, તેઓ જ્યારે પ્રમુખ હતા ત્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમ છતાં ફરી તેમના નામ પર પાર્ટીએ મહોર મારી દીધી છે.
આ ઝોનમાંથી થઈ શકે છે પ્રમુખની પસંદગીઃ
સી.આર.પાટીલ હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. પાટીલ કેન્દ્રમાં મંત્રી છે. દક્ષિણ ગુજરાતથી સાંસદ છે. તો હજુ દક્ષિણ ગુજરાતમાંથી તો અન્ય કોઈ નેતા એવા નથી કે જેમને હાલ પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવી શકાય. એવામાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ત્રણ ઝોનમાંથી જ નવા પ્રદેશ પ્રમુખની પસંદગી થઈ શકે છે. એમાંય ભાજપના પ્રદેશ પ્રમુખની યાદીમાં હંમેશાથી સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે. જ્યારે ત્યાર બાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો આવે છે. ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે તેથી હંમેશા જાતિગત સમીકરણોની સાથોસાથ કોઈ પણ પદની વહેચણી વખતે પાર્ટીમાં વિસ્તાર અને ઝોનની પણ તેમાં ગણતરી થતી હોય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ચાન્સ આ વખતી પસંદગીમાં ઓછો છે. જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના નામો આ રેસમાં સૌથી આગળ હોવાનું ચર્ચામાં છે.
45 વર્ષમાં ગુજરાત ભાજપના 13 પ્રદેશ પ્રમુખ બદલાયાઃ
કયા ઝોનમાંથી કેટલી વખત પ્રદેશ પ્રમુખ?
સૌરાષ્ટ્ર-8
મધ્ય ગુજરાત-2
દક્ષિણ ગુજરાત-2
ઉત્તર ગુજરાત-1
-
જ્ઞાતિ-વર્ગ પ્રમાણે કેટલી વખત પ્રદેશ પ્રમુખ?
પાટીદાર-5
બ્રાહ્મણ-1
ક્ષત્રિય-2
ઓબીસી-3
જૈન-1
પાટીલ-1
-
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષોની યાદીઃ
અટલ બિહારી વાજપેયી- 1980-1986
લાલકૃષ્ણ અડવાણી- 1986-1991
મુરલી મનોહર જોશી- 1991-1993
લાલકૃષ્ણ અડવાણી- 1993-1998
કુશાભાઉ ઠાકરે- 1998-2000
બંગારુ લક્ષ્મણ- 2000-2001
જાના કૃષ્ણમૂર્તિ- 2001-2002
વેંકૈયા નાયડુ- 2002-2004
લાલકૃષ્ણ અડવાણી- 2004-2005
રાજનાથ સિંહ- 2005-2009
નીતિન ગડકરી- 2009-2013
રાજનાથ સિંહ- 2013-2014
અમિત શાહ- 2014-2020
જેપી નડ્ડા- 2020 (કાર્યકારી અધ્યક્ષ)
-
ગુજરાત ભાજપના અત્યાર સુધીના પ્રદેશ પ્રમખોની યાદીઃ
કેશુભાઈ પટેલ
1980-83
પાટીદાર(લેઉવા)
સૌરાષ્ટ્ર
-
મકરંદ દેસાઈ
1983-85
બ્રાહ્મણ
મધ્ય ગુજરાત
-
ડો.એ.કે.પટેલ
1985-86
પાટીદાર(કડવા)
ઉત્તર ગુજરાત
-
શંકરસિંહ વાઘેલા
1986-91
ક્ષત્રિય
મધ્ય ગુજરાત
-
કાશીરામ રાણા
1991-1996
ઓબીસી
દક્ષિણ ગુજરાત
-
વજુભાઈ વાળા
1996-98
ઓબીસી
સૌરાષ્ટ્ર
-
રાજેન્દ્રસિંહ રાણા
1998-2005
ક્ષત્રિય
સૌરાષ્ટ્ર
-
વજુભાઈ વાળા
2005-06
ઓબીસી
સૌરાષ્ટ્ર
-
પરશોત્તમ રૂપાલા
2006-10
પાટીદાર(કડવા)
સૌરાષ્ટ્ર
-
આર.સી.ફળદુ
2010-16
પાટીદાર (લેઉવા)
સૌરાષ્ટ્ર
-
વિજય રૂપાણી
ફેબ્રુ.2016-ઓગસ્ટ 2016
જૈન
સૌરાષ્ટ્ર
-
જીતુ વાઘાણી
2016-20
પાટીદાર(લેઉવા)
સૌરાષ્ટ્ર
-
સી.આર.પાટીલ
2020થી અત્યાર સુધી
પાટીલ
દક્ષિણ ગુજરાત
-
વિજય રૂપાણીના નિધન બાદ ગૂંચવાયું કોકડુંઃ
અમદાવાદ પ્લેન ક્રેશ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અકાળે અવસાનને કારણે ભાજપના નેતાગીરીના માળખા પર પણ તેની અસર જોવા મળશે. એ જ કારણ છેકે, ભાજપ હાઈકમાન્ડને હવે ગુજરાત પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડી છે. એવામાં હંમેશાની જેમ પોતાની પેટર્નને અનુરૂપ પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાતમાં કોઈ નવા જ ચહેરાને ડાર્ક હોર્સ બનાવીને પ્રદેશ પ્રમુખનો મુખોટો પહેરાવે તો પણ નવાઈ નહીં.
કોણ બનશે ગુજરાત ભાજપના નવા કેપ્ટન?
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે હાલ ચારથી પાંચ નામો સૌથી વધુ ચર્ચામાં છે. આ ચર્ચામાં સૌથી આગળ જે નામ છે એ છે મયંક નાયક. ત્યાર બાદ આ લીસ્ટમાં બીજું નામ આવે છે દેવુંસિંહ ચૌહાણ. પછી ક્રમશ ત્રીજા નંબરે જગદિશ વિશ્વકર્મા, શંકર ચૌધરી અને જીતુ વાઘાણીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પાર્ટીની જાતિગત તથા ભૂમિગત બેલેન્સ સાધવા માટે ચિંતન ચાલી રહ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી આવતા શંકર ચૌધરી પણ એક કદ્દાવર નેતા હોવાથી આ યાદીમાં તેમનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત કચ્છમાંથી વિનોદ ચાવડાનું પણ પ્રમુખ પદની રેસમાં છે.
ઉલ્લેખનીય છેકે, પ્રદેશ અધ્યક્ષની રેસમાં અત્યાર સુધી ભાજપે સૌથી વધારે જ્ઞાતિગત મહત્ત્વ પાટીદારોને અને ઝોન વાઈઝ સૌરાષ્ટ્રને આપ્યું છે. એક રીતે જોવા જઈએ તો પાટીદારો અને સૌરાષ્ટ્ર ભાજપની નેતાગીરી એકબીજાના પર્યાય છે. સૌરાષ્ટ્ર ઝોનને અત્યાર સુધી સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને પાટીદાર નેતાઓએ રાજ્ય ભાજપના સંગઠન પર લાંબા સમય સુધી દબદબો જાળવ્યો છે. હવે જોવાનું એ છે કે શું પાર્ટી જૂની જ પેટર્ન પર આગળ વધશે કે પછી નવા સમીકરણો સાથે નવો દાવ ખેલશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદની રેસમાં મયંક નાયકનું નામ કેમ સૌથી વધુ ચર્ચામાં?
મયંક નાયકને હાલમાંજ પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યાં છે. તેઓ ઘણાં વર્ષોથી પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આવ્યાં છે. ગાંધીનગર લોકસભાના પ્રભારી તરીકે પણ તેઓએ સારી કામગીરી કરી છે. તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ખુબ નજીકના માનવામાં આવે છે. એટલું જ નહીં મયંક નાયક પીએમ મોદીની પણ ગુડ લીસ્ટમાં હોવાનું ચર્ચાય છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદની રેસમાં દેવુંસિંહ ચૌહાણનું નામ કેમ સૌથી વધુ ચર્ચામાં?
અત્યાર સુધી પ્રમુખ પદની રેસમાં સૌરાષ્ટ્રને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ તો થઈ ઝોનની વાત પરંતુ જ્ઞાતિગત સમીકરણોમાં પણ પાટીદાર જ હંમેશા સત્તા અને સંગઠનમાં અવ્વલ રહ્યાં છે. ત્યારે આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બક્ષીપંચ એટલેકે, ઓબીસીના મતદારોનું ફેક્ટર સૌથી મહત્ત્વના રોલમાં રહી શકે છે. જેથી દેવુસિંહનું નામ આ યાદીમાં સૌથી આગળ હોવાનું ચર્ચાય છે. કારણકે, તેઓનું નામ પણ પીએમ મોદીની ગુડ લીસ્ટમાં છે. જોકે, એમનો એક માઈનસ પોઈન્ટ પણ છેકે, તેઓ રાજનીતિમાં મૂળ ભાજપી નેતા નથી. પક્ષાંતર કરીને આવેલાં હોવાથી પ્રદેશ પ્રમુખ જેવું મહત્ત્વનું પદ પાર્ટી મૂળ ભાજપના નેતા ને જ આપવાનો શિરસ્તો ધરાવે છે. જેને કારણે તેમની સંભાવનાઓ વચ્ચે આવી અડચણો પણ છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદની રેસમાં જગદિશ વિશ્વકર્માનું નામ કેમ સૌથી વધુ ચર્ચામાં?
આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઓબીસી ખાસ કરીને બક્ષીપંચનું ફેકટર સૌથી વધારે મહત્ત્વના રોલમાં રહેશે તેવું રાજકીય પંડિતો માને છે. ત્યારે જગદિશ પંચાલ મૂળ ઓબીસીમાંથી આવે છે. સ્ટેપ બાય સ્ટેપ સીડીઓ ચઢીને હાલ સરકારના મંત્રી મંડળમા સ્વતંત્ર પ્રભાર ધરાવે છે. હાઈકમાન્ડ઼ સાથે તેમણે પોતાની સારી છબિ અને કામગીરીથી સારી શાખ ઉભી કરી છે. તેથી તેમનો ચાન્સ વધારે છે. જોકે, તેમનો એક માઈનસ પોઈન્ટ એ છેકે, હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠકમાંથી આવે છે. જગદિશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. તો અમદાવાદમાંથી જ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ બન્ને મોટા હોદ્દા હોય એવી સંભાવના થોડી ઓછી છે. પરંતુ પાર્ટીનું નક્કી નહીં જો કોઈ અન્ય યશ મેન નહીં મળે તો આ નામ પર પણ મહોર વાગી શકે છે.
આગામી બીજી શક્યતાઓ શું છે ભાજપમાં?
ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત સાથે જ મંત્રીમંડળનું પણ વિસ્તરણ થઈ શકે છે. જેમાં જીતુ વાઘાણીને ફરી એકવાર કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જગદિશ વિશ્વકર્માને પણ જો પ્રમુખ પદ ના આપવામાં આવે તો કેબિનેટમાં સ્થાન આપીને પ્રમોટ કરવામાં આવી શકે છે. અન્ય યુવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.






