Home Gujarat Bjp Candidate Interesting Life Story Local Body Election

ચૂંટણી ટાણે ચર્ચામાં આવ્યો આ ચા વાળા બેનનો ચહેરો : કોણ છે ગીતાબેન? જાણો તેમના જીવન સંઘર્ષની રોચક કહાની

BJP Candidate
Published by: Vishal Dave
Last Updated: Apr 19, 2026, 04:53 AM IST

ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ એક અનોખો અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. ભાજપે વોર્ડ નં. 7 માંથી કોઈ મોટા ગજાના નેતા કે વગદાર વ્યક્તિને બદલે છેલ્લા 35 વર્ષથી ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા વિધવા મહિલા ગીતાબેન પાટણવાડિયાને ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતાર્યા છે.

સંઘર્ષથી સેવાની સફર

ગીતાબેન પાટણવાડિયાની જીવનગાથા સંઘર્ષથી ભરેલી છે. પતિના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારી તેમના ખભે આવી પડી હતી. પોતાના સંતાનોના ઉછેર માટે તેમણે રાજપીપળાના કોલેજ રોડ પર ચાની ટપરી શરૂ કરી હતી. આજે પણ તેઓ વહેલી સવારે પોતાની લારી પર પહોંચી ગ્રાહકોને ચા પીવડાવે છે અને ત્યારબાદ જ ચૂંટણી પ્રચાર માટે નીકળે છે. ગીતાબેનને એક પુત્ર અને એક પુત્રી છે, જેમાં દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે.

PM મોદીના જીવનમાંથી લીધી પ્રેરણા

પોતાની ઉમેદવારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા ગીતાબેને જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ પહેલા ચા વેચતા હતા અને આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. હું કદાચ એ ઊંચાઈ સુધી ન પહોંચી શકું, પણ નગરપાલિકામાં વિજેતા બનીને મારા વિસ્તારના લોકોની સેવા કરવા માંગું છું. ભાજપે મારા જેવા સામાન્ય ગરીબ માણસ પર ભરોસો મૂક્યો તે બદલ હું આભારી છું.

લોકોમાં ભારે આકર્ષણ

રાજપીપળાના રાજકારણમાં આ બેઠક અત્યારે હોટ ફેવરિટ બની છે. લોકોમાં એવી ચર્ચા છે કે ભાજપે સાબિત કરી દીધું છે કે ચૂંટણી લડવા માટે માત્ર પૈસા કે વગ હોવી જરૂરી નથી, પણ પક્ષ પ્રત્યેની વફાદારી અને લોકસેવાની ભાવના હોવી જોઈએ. ગીતાબેનનો પરિવાર વર્ષોથી આ ટપરી ચલાવવાની સાથે સ્થાનિક લોકોના સુખ-દુઃખમાં સહભાગી બનતો આવ્યો છે, જેનો લાભ તેમને ચૂંટણીમાં મળી શકે છે.

પક્ષનો પાયાના કાર્યકર પર ભરોસો

ભાજપના આ નિર્ણયથી સ્થાનિક કાર્યકરોમાં પણ નવો જોશ જોવા મળી રહ્યો છે. સામાન્ય વર્ગના પ્રતિનિધિને ટિકિટ મળતા મતદારોમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 'ચા વાળા' ગીતાબેન રાજપીપળાના વોર્ડ નં. 7 માં કમળ ખીલવવામાં કેટલા સફળ રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now