Home Gujarat Bike Thief Caught During Vehicle Checking On Nh 48 Valuables Worth Rs 125 Lakh Seized From The Thief

વલસાડના ડુંગરી પોલીસની રાત્રિ પેટ્રોલિંગમાં મોટી સફળતા : NH-48 પર વાહન ચેકિંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો, ચોર પાસેથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વલસાડના ડુંગરી પોલીસની રાત્રિ પેટ્રોલિંગમાં મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 06:46 AM IST

Valsad Police Action: વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બાઈક ચોરીની ઘટનાથી પોલીસ તંત્ર માટે માથાનો દુખાવો બનનાર એક શખ્સને વલસાડ પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો છે. આરોપીને સોમવાર સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એચ. પટેલ તથા તેમની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વાઘલધરા પોલીસ ચોકી સામે નેશનલ હાઈવે નં. 48 પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ હૉન્ડા સાઈન બાઈક પર પસાર થતો નજરે પડ્યો. પોલીસએ તેને અટકાવી પૂછપરછ કરતા તેની ઓળખ સરફરાજ મીયાં ઉમરાન પંડોલિયા તરીકે થઈ.

તપાસમાં બહાર આવી ચોરીની હકીકત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પાસે રહેલું બાઈક વલસાડ સિટી વિસ્તારમાંથી ચોરી કરાયેલું હતું. વધુ પૂછપરછ કરતા આરોપીએ વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 9 બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી બાઈક ચોરી કર્યા બાદ અલગ-અલગ સ્થળે વેચવાની અથવા ઉપયોગમાં લેવાની તૈયારીમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસના જાળમાં આવી ગયો.

રૂ. 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1.25 લાખની કિંમતની 4 બાઈક, 3 ચાવીઓ અને 3 આર.સી. બુક જપ્ત કરી છે. જપ્ત કરાયેલો સમગ્ર મુદ્દામાલ વલસાડ સિટી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવાની તેમજ અન્ય સાગરીતો અંગે માહિતી મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસની આ કામગીરીથી બાઈક ચોરીની ઘટનાઓ પર અંકુશ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now