Home Gujarat Big Uproar Over Loudspeaker Issue Near Voras Roja In Ahmedabad

અમદાવાદમાં વોરાના રોજા પાસે લાઉડ સ્પીકર મામલે મોટી બબાલ : પથ્થરમારો થયો અને વાહનોના કાચ તૂટ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદમાં વોરાના રોજા પાસે લાઉડ સ્પીકર મામલે મોટી બબાલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 07:32 AM IST

અમદાવાદ શહેરમાં વોરાના રોજા નજીક આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ ખાતે લાઉડ સ્પીકર પર ગીતો વગાડવાના મુદ્દે બે અલગ અલગ કોમના વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

વોરાના રોજા પાસે બબાલ

માહિતી મુજબ, પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ દરમિયાન લાઉડ સ્પીકર પર ઊંચા અવાજે ગીતો વાગી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક લોકોએ અવાજ ઓછો રાખવા રજૂઆત કરી હતી. આ મુદ્દે બોલાચાલી શરૂ થઈ અને થોડી જ વારમાં મામલો ઉગ્ર બની ગયો હતો. બંને પક્ષના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી.

વાહનોના કાચ તોડ્યા!

માથાકૂટ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો અને કેટલાક વાહનોના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે બન્ને પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

'લાઉડ સ્પીકરના અવાજ અંગે બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી, જે બાદ...'

એસીપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે લાઉડ સ્પીકરના અવાજ અંગે બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી, જે બાદ બોલાચાલી અને અથડામણમાં ફેરવાઈ હતી. પોલીસે બંને પક્ષના આશરે 15થી 20 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં 7 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી વધુ તપાસ હાથ ધરી છે અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now