Food Department Checking: મહેસાણા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજીમાં લાખો યાત્રિકો દર વર્ષે માં બહુચરના દર્શને આવે છે. આવા સમયે યાત્રિકોને શુદ્ધ, સાત્વિક અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વિભાગે બહુચરાજીમાં મોટા પાયે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમ દ્વારા બહુચર મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ, ભોજનાલયો અને પ્રસાદની દુકાનો સહિત કુલ 17 જેટલી પેઢીઓમાં અચાનક તપાસ કરી હતી. આ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને લાયસન્સ સહિતની બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
17 પેઢીઓમાંથી 12 નમૂના જપ્ત કરાયા
ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવતાં કુલ 12 નમૂના લેબોરેટરી તપાસ માટે એકત્ર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ક્રિષ્ના હોટલ, ગોલ્ડન હોટલ તથા રાઈઝન હોટલમાંથી પનીર, ગ્રેવી, ચીઝ, વિવિધ સોસ તેમજ ગુલાબજાંબુ જેવા પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રસાદ તરીકે વેચાતા લાડુ, પેડા અને અન્ય મિઠાઈઓના પણ નમૂના લેવાયા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે, “યાત્રાધામમાં આવતા ભાવિક ભક્તોના આરોગ્ય સાથે કોઈ જ બાંધછોડ નહીં કરીએ. મળતી કોઈપણ ફરિયાદ કે શંકા હોય તો તુરંત કાર્યવાહી કરવામાં આવે છે.” તેમજ નિયમિત ચેકિંગ પણ ચાલુ રાખીએ છીએ.”
પ્રસાદ સ્ટોર્સમાં પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, ગત 20 નવેમ્બરના રોજ પણ ફૂડ વાન દ્વારા બહુચરાજીના પ્રસાદ સ્ટોર્સમાં વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે પણ અનેક નમૂના લેવાયા હતા અને મળેલા રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આવી સતત કામગીરીથી યાત્રાધામમાં ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે અને ભક્તોને શુદ્ધ પ્રસાદ તથા ભોજન મળી રહે તેની ખાતરી થઈ રહી છે. વિભાગે તમામ વેપારીઓને પણ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા સખત સૂચના આપી છે. આવનારા નવરાત્રિ તહેવારોને ધ્યાનમાં રાખીને આવી કામગીરીને વધુ વેગ આપવામાં આવશે તેવું પણ જણાવાયું છે.






