Home Gujarat Big Revelation In Ahmedabad Child Trafficking Case

Ahmedabad બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો : 3થી 5 લાખમાં ખરીદતા અને 15 લાખમાં વેચતા, બોગસ જન્મ પ્રમાણપત્રની વ્યવસ્થા કરાતી!

Ahmedabad બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 04:15 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં એક ચોંકાવનારા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 3 થી 5 લાખ રૂપિયામાં બાળક ખરીદી તેને 15 લાખ રૂપિયા સુધીમાં વેચવામાં આવતું હતું. આ મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 10 દિવસ પહેલા ઝડપાયેલા આ રેકેટની તપાસ દરમિયાન અનેક ગંભીર અને આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. આરોપીઓ કમિશનના આધાર પર કામ કરતા હતા અને તેમની ભૂમિકા અલગ-અલગ હતી. રેકેટમાં સૌપ્રથમ એવા નિઃસંતાન દંપતીને શોધવામાં આવતા હતા, જે બાળક મેળવવા ઇચ્છતા હોય. આવા દંપતી પાસેથી મુખ્ય દલાલ દ્વારા એડવાન્સમાં જ મોટી રકમ લેવામાં આવતી હતી, જે નોન-રિફંડેબલ હોતી હતી.

15 લાખ રૂપિયા સુધીમાં બાળક વેચતા

એડવાન્સ મળ્યા બાદ દલાલોની ટીમ ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતીની શોધ શરૂ કરતી હતી. બાળક મળ્યા બાદ તેની ખરીદીની કિંમત 3 થી 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવતી હતી અને બાદમાં એ બાળકને બાળક ખરીદવા ઇચ્છતા દંપતીને 15 લાખ રૂપિયા સુધીમાં વેચવામાં આવતો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં આરોપીઓ જન્મના પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજોની પણ વ્યવસ્થા કરી આપતા હતા. તપાસમાં ખુલ્યું છે કે બાળક માટે બોગસ બર્થ સર્ટિફિકેટ પણ બનાવવામાં આવતું હતું, જેથી કોઈ શંકા ન જાય. આ કેસમાં હિંમતનગરથી એક બાળક લાવવામાં આવ્યું હતું અને તેને હૈદ્રાબાદ પહોંચાડવાની યોજના હતી, તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

આ રેકેટ સાથે કોણ કોણ સંકળાયેલા?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ એક સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ બાળ તસ્કરીનું નેટવર્ક હતું, જેમાં અનેક લોકો સંડોવાયેલા હતા અને તમામ વ્યક્તિઓ કમિશન પર કામ કરતા હતા. પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now