Strait of Hormuz: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઉર્જા સંકટની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. 'જગ વસંત' નામનું જહાજ 42,000 ટન LPG લઈને હોર્મુઝ (Strait of Hormuz) મારફતે ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે.
કંડલા પોર્ટ પર ગેસનું આગમન
નવી દિલ્હી અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ઉર્જા સંકટ (Energy Crisis) વચ્ચે LPG સપ્લાયને લઈને આ મોટું અપડેટ છે. ખાસ વાત એ છે કે આ જહાજ યુદ્ધગ્રસ્ત હોર્મુઝના જોખમી માર્ગે પસાર થઈને સુરક્ષિત રીતે ગુજરાત પહોંચ્યું છે. દેશમાં LPGની અછતની ભીતિ વચ્ચે 42 હજાર ટનથી વધુ ગેસનો આ જથ્થો દેશવાસીઓ માટે મોટી રાહત સાબિત થશે. કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ગેસને 'મિડ-સી ટ્રાન્સફર' (Mid-sea transfer) દ્વારા આજે ઉતારવામાં આવશે. ગુજરાતનું કંડલા પોર્ટ ભારતનું સૌથી મોટું એનર્જી ઇમ્પોર્ટ હબ છે, જ્યાંથી ગેસ અને તેલ દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે.
શું છે મિડ-સી ટ્રાન્સફર?
'જગ વસંત' જહાજમાં લાદવામાં આવેલા LPGને મિડ-સીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિડ-સી ટ્રાન્સફર એટલે કે સમુદ્રની વચ્ચે જ એક મોટા જહાજમાંથી ગેસને બીજા નાની સિસ્ટમ અથવા પોર્ટ ફેસિલિટીમાં ટ્રાન્સફર કરવો. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે ગેસનું ટ્રાન્સફર ઝડપથી થાય છે અને સમયની બચત થાય છે.
ઈરાને આપી મંજૂરી
LPGનું આ ટેન્કર ઈરાનના યુદ્ધગ્રસ્ત વિસ્તાર હોર્મુઝમાંથી પસાર થઈને આવ્યું છે. અગાઉ આ માર્ગ બંધ થવાને કારણે ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ભારત સહિત અનેક મિત્ર દેશોના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી પસાર થવાની પરવાનગી આપી દીધી છે.
ભારત માટે શા માટે મહત્વનું છે હોર્મુઝ?
ભારત માટે આ રૂટ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મધ્ય-પૂર્વમાંથી દરરોજ 2.5 થી 2.7 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઈલ અને LPG આ માર્ગે ભારત આવે છે. ઉર્જા ઉત્પાદનોનો સ્થિર પુરવઠો જળવાઈ રહે તે માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું રહેવું ભારતની અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય છે.





