Home Gujarat Ahmedabad Ayesha Case Ucc Gujarat Father Reaction

"5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત" : જાણો સરકારના સમર્થનમાં આયશાના પિતા લિયાકતઅલીએ બીજું શું કહ્યું

અમદાવાદના સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર ઉભી હતી આયશા મકરરાણી
Published by: Vishal Dave
Last Updated: Mar 27, 2026, 05:40 AM IST

UCC Gujarat: હાલમાં જ ગુજરાત સરકારે વિધાનસભામાં UCC એટલેકે, યુનિફોર્મ સિવિલ કોર્ડનું બિલ પસાર કર્યું છે. જે હવે રાજ્યપાલની મંજૂરીની મહોર બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. વિવાદ અને વિરોધની વચ્ચે પસાર થયેલાં આ બિલના સમર્થનમાં એક મુસ્લિમ પિતા આવ્યાં છે. જેને કારણે ફરી એકવાર અમદાવાદની સાબરમતી નદી કિનારે બનેલી એક દુઃખદ ઘટના આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

5 પહેલાં અમદાવાદમાં રહેતી આયશા નામની યુવતીએ પોતાના પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હતું. જેમાં આ યુવકેએ બનાવેલાં અંતિમ વીડિયોએ આખા દેશને હચમચાવી મુક્યો હતો. ત્યારે આજે ગુજરાતમાં UCCનું બિલ પાસ થતા તે યુવતીના પિતા લિયાકત અલી સરકારના સમર્થનમાં આવ્યાં છે. તેમણે કહ્યુંકે, આ બિલ દીકરીઓની રક્ષા કરશે. આ સાથે જ તેમણે એ વાતનું દુઃખ પણ વ્યક્ત કર્યું કે, જો આ કાયદો પહેલાં આવી ગયો હોત તો સારું હોત.

આયશાના પિતા લિયાકતઅલીએ UCC કાયદાનું સમર્થન કરતા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, હું મુસલમાન ભાઇઓ અને ખાસ કરીને માતા પિતાને કહું છું કે આ કાયદો ઘણો સારો છે. આપની દીકરીઓ આ કાયદાથી સુરક્ષિત થઇ જશે. પાંચ વર્ષ પહેલાં જો ગુજરાતમાં આ કાયદો આવી ગયો હોત તો કદાચ આજે મારી દીકરી જીવતી હોત. 2020માં સરકાર 3 તલાકનો કાયદો લાવી ત્યારે આ કાયદો પણ આવી ગયો હોત તો સારું હતું. હું તો કહું છું કે સરકારની ભૂલ છે. એજ સમયે આ કાયદો લાવવા જેવો હતો.

ઉલ્લેખનીય છેકે, 2021માં અમદાવાદમાં રહેનારી આયશા મકરાણીનું આપઘાતનું કેસ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્નજીવનમાં તણાવ, પતિ દ્વારા ત્રાસ અને બીજા લગ્ન કરવાની જિદ્દ- આ બધી પરિસ્થિતિઓએ એક યુવતીને અંતિમ પગલું ભરવા મજબૂર કરી દીધી હતી. તે સમયે પોલીસે કેસ નોંધ્યો અને પતિ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ. કોર્ટે સજા ફટકારી, પરંતુ બાદમાં હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવાનું પણ સામે આવ્યું.

“મારી દીકરીને બચાવી શકાત”: પિતાની ભાવુક વાત

આયશાના પિતા લિયાકતઅલી, જે હાલમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે અને સિલાઇ કામ કરીને જીવન ગુજારે છે, તેમણે UCCને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો આ કાયદો 2020 કે 2021માં અમલમાં આવ્યો હોત, તો તેમની દીકરી આજ જીવતી હોત. તેમની આંખોમાં આંસુ સાથે તેમણે કહ્યું કે, “મારી દીકરીએ મને ઘણું બધું કહ્યું હતું, તે ન્યાય માટે લડી રહી હતી, પણ સિસ્ટમમાં કંઈક ખૂટતું હતું.”તેમના જણાવ્યા મુજબ, આયશાનો પતિ બીજા લગ્ન કરવા માંગતો હતો અને તે માટે તે સતત દબાણ કરતો હતો. આયશાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે પરિસ્થિતિ એવી બની કે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.

UCC શું છે અને કેમ ચર્ચામાં છે?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એ એવો કાયદો છે જે તમામ નાગરિકો માટે એકસરખા વ્યક્તિગત કાયદા લાવવાનો પ્રયાસ કરે છે- જેમ કે લગ્ન, તલાક, વારસો વગેરે. હાલમાં ભારતમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ વ્યક્તિગત કાયદા છે. UCCનો હેતુ એ છે કે આ તમામ કાયદાઓને એકસમાન બનાવવામાં આવે, જેથી લિંગ સમાનતા અને ન્યાય સુનિશ્ચિત થઈ શકે. લિયાકતઅલી માને છે કે આ કાયદાથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને સુરક્ષા મળશે. તેઓ કહે છે કે હવે પતિ પત્નીને તલાક આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકે, જે ઘણી મહિલાઓ માટે મોટી રાહત બની શકે છે.

“હવે કોઇ દીકરી આયશા નહીં બને”

આશયા મકરાણીના પિતા લિયાકતઅલીને મીડિયા સાથે વાતચીત કરતા આશા વ્યક્ત કરી છે કે UCC અમલમાં આવ્યા બાદ એવી દુઃખદ ઘટનાઓમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે, “આવી કેટલીય આયશાઓ પહેલાં પણ હતી, પણ તેમના અવાજ બહાર આવ્યા નહીં. મારી દીકરીનો વીડિયો આવ્યો એટલે લોકો સુધી વાત પહોંચી.” તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ત્યાં પણ 1961થી એવો કાયદો છે કે પત્નીની મરજી વગર પતિ બીજા લગ્ન કરી શકતો નથી. તેમના મતે, ભારતે આ બાબતમાં મોડું કર્યું છે, પરંતુ હવે યોગ્ય દિશામાં પગલું ભરાયું છે.

આખા દેશમાં UCC લાગુ કરવાની માંગઃ

લિયાકતઅલીએ ફક્ત ગુજરાત પૂરતું નહીં પરંતુ સમગ્ર દેશમાં UCC લાગુ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, “મુસ્લિમ સમાજ ફક્ત ગુજરાતમાં નથી, આખા દેશમાં છે. જો સરકાર ખરેખર મહિલાઓના હિતમાં કામ કરવા માંગે છે તો આ કાયદો દેશભરમાં લાગુ કરવો જોઈએ.” તેમણે UCCનો વિરોધ કરનારાઓને રાજકીય પ્રેરિત ગણાવ્યા અને કહ્યું કે સામાન્ય લોકો, ખાસ કરીને માતા-પિતા, આ કાયદાનો સમર્થન કરે છે કારણ કે તેઓ પોતાની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત જોવા માંગે છે.

આયશાનો કેસ માત્ર એક વ્યક્તિગત દુઃખદ ઘટના નથી, પરંતુ તે સમાજમાં રહેલી કેટલીક મોટી સમસ્યાઓને ઉજાગર કરે છે—જેમ કે લગ્નમાં અસમાનતા, મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય ખામીઓ. UCC અંગે ચાલી રહેલી ચર્ચા એ બતાવે છે કે સમાજ હવે આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે. મહિલાઓના હક્કો, સમાનતા અને ન્યાયને કેન્દ્રમાં રાખીને લેવામાં આવતાં આવા નિર્ણયો ભવિષ્યમાં અનેક જીવન બચાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
"જોઈએ તો ખરા અંદર કેવું લાગે છે!"
ખીચ મેરી ફોટો...ખીચ મેરી ફોટો...!!!
નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના હેઠળ
Play Video
‘મારો ચૂંટણી ખર્ચ માત્ર 15 થી 25 લાખ જ થતો, કલેક્ટર માનવા તૈયાર ન હતા’