Anandiben Patel: રાજકારણમાં આજે જ્યારે કરોડો રૂપિયાના ધુમાડા અને ભવ્ય પ્રચારની બોલબાલા છે, ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા ચૂંટણી ખર્ચ વિશે વાત કરતા વર્તમાન રાજકીય વ્યવસ્થા અને કાર્યકર્તાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ગુજરાત vs ઉત્તર પ્રદેશ: ચૂંટણી ખર્ચનો મોટો તફાવત
આનંદીબેન પટેલે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ઘણા લોકો તેમને પૂછે છે કે આટલી લાંબી રાજકીય કારકિર્દી અને અનેક ચૂંટણીઓ લડવા છતાં તેમનો ખર્ચ કેટલો થતો? આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું ગુજરાતમાં જ્યારે હું ચૂંટણી લડતી ત્યારે મારો ખર્ચ માત્ર 15 થી 25 લાખ રૂપિયા સુધી જ સીમિત રહેતો હતો. તેની સરખામણીએ આજે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ચૂંટણી ખર્ચનો આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે, જે ખરેખર વિચારવા જેવી બાબત છે."
ઓછા ખર્ચનું રહસ્ય: 'કાર્યકર્તા એ જ સાચું ભાથું'
ચૂંટણીમાં ઓછા ખર્ચ પાછળનું ગણિત સમજાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ જાદુ નથી, પણ કાર્યકર્તાઓ સાથેનો અતૂટ સંબંધ છે. તેમના મતે કાર્યકર્તાઓને માત્ર વોટ મેળવવાનું સાધન ન ગણો, તેમને પ્રેમ કરો. તેમના ઘરે જાઓ, તેમના પરિવારની પૃચ્છા કરો અને તેમના મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહો. માત્ર વોટ લઈને 'રામ-રામ' કરી લેવાની પદ્ધતિ યોગ્ય નથી. સતત સંપર્ક જ જીતનો પાયો છે.
'કલેક્ટર પણ મારો ખર્ચ માનવા તૈયાર ન હતા'
આનંદીબેન પટેલે જૂના દિવસો યાદ કરતા જણાવ્યું કે, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર તો ખર્ચ એટલો ઓછો થતો કે સરકારી તંત્ર પણ અચંબામાં પડી જતું. જ્યારે ચૂંટણી ખર્ચનું ફોર્મ ભરીને કલેક્ટર પાસે જતું, ત્યારે તેઓ આટલો ઓછો આંકડો જોઈને માનવા તૈયાર ન થતા કે આટલી મોટી જીત આટલા ઓછા ખર્ચમાં કેવી રીતે શક્ય છે! તેમણે આ જીતનો જશ નીચે મુજબના લોકોને આપ્યો હતો. જેમાં ગામના સરપંચો અને સ્થાનિક આગેવાનો. જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો. અને રાત-દિવસ જોયા વગર કઠોર પરિશ્રમ કરનારા પાયાના કાર્યકર્તાઓ.
ગુજરાતમાં ભાજપના શાસનનો પાયો
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપના શાસન પાછળના કારણો સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, આ સફળતા માત્ર પ્રચારની નથી, પણ તેના મૂળમાં સંસ્કાર, વિશ્વાસ, પરિશ્રમ અને દેશભક્તિ રહેલા છે. આ ચાર બાબતોનો સરવાળો એટલે ગુજરાતની પ્રગતિ.
સામાજિક જવાબદારી પર ભાર
ચૂંટણી સિવાય પણ આનંદીબેન પટેલે સમાજના ગંભીર મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધતા જતા વૃદ્ધાશ્રમો સામે ચિંતા વ્યક્ત કરી અને સંસ્કારોના સિંચન પર ભાર મૂક્યો. લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ (જેમ કે વેક્સિનેશન અભિયાન) દરેક છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તેમણે આગ્રહ કર્યો હતો. આનંદીબેન પટેલનું આ નિવેદન આજના મોંઘા બનતા જતા ચૂંટણી તંત્ર સામે એક નવો રાહ ચીંધે છે. જો નેતા અને કાર્યકર્તા વચ્ચે પારિવારિક સંબંધ હોય, તો કરોડોના ખર્ચ વગર પણ જનતાનો વિશ્વાસ જીતી શકાય છે.





