Home Gujarat Big Good News For Vadodara Residents Dabhoi Karjan Railway Line Reopens After 7 Years

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર : 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 07:43 AM IST

Vadodara : વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ વિસ્તારના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા લગભગ સાત વર્ષથી બંધ રહેલી ડભોઈ–મિયાગામ કરજણ રેલવે લાઇન ફરી કાર્યરત થવા જઈ રહી છે. મુસાફરોની લાંબા સમયથી ચાલતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ દ્વારા મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર વચ્ચે ડેમુ ટ્રેન સેવા તા. 15 માર્ચથી શરૂ કરવામાં આવશે.

રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યારે થશે

માહિતી મુજબ રવિવાર તા. 15 માર્ચના રોજ સવારે 10:00 વાગ્યે ડભોઈ રેલવે સ્ટેશન પરથી મિયાગામ કરજણ માટે પ્રથમ ટ્રેન રવાના થશે. આ સાથે લાંબા સમયથી રાહ જોવાતી ટ્રેન સેવા ફરી શરૂ થતા સ્થાનિક લોકો અને મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોજિંદા મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓ માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ટ્રેન સેવાના ઉદ્ઘાટનને લઈને મિયાગામ કરજણ અને ડભોઈ બંને સ્ટેશનો પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મિયાગામ કરજણ રેલવે સ્ટેશન પર યોજાનારા સમારોહમાં ભરૂચના સાંસદ તથા અન્ય જનપ્રતિનિધિઓ હાજરી આપશે અને ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તે જ રીતે ડભોઈ રેલવે સ્ટેશન પર યોજાનારા કાર્યક્રમમાં છોટા ઉદેપુરના સાંસદ તેમજ અન્ય જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને ટ્રેનને મિયાગામ કરજણ તરફ રવાના કરવામાં આવશે.

ગામડાં વિસ્તારના લોકો માટે વડોદરા શહેર સુધી પહોંચવું હવે વધુ સરળ બનશે

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ઉદ્ઘાટન બાદ આ ટ્રેનની નિયમિત સેવા ડભોઈ થઈને મિયાગામ કરજણ અને પ્રતાપનગર વચ્ચે શરૂ કરવામાં આવશે. ટ્રેન સેવા શરૂ થતાં આ વિસ્તારના હજારો મુસાફરોને મુસાફરી માટે સરળ અને ઝડપી વિકલ્પ મળશે. ખાસ કરીને ગામડાં વિસ્તારના લોકો માટે વડોદરા શહેર સુધી પહોંચવું હવે વધુ સરળ બનશે. લાંબા સમય બાદ ફરી શરૂ થતી આ રેલવે સેવા સ્થાનિક વિકાસ અને મુસાફરી સુવિધા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now