Gujarat Cyclone Alert: હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી રાજ્ય માટે ચિંતાનું કારણ બની શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર મોટી આકાશી આફત આવે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ગુજરાતની નદીઓમાં વિનાશક પૂરનો પ્રકોપ પણ ઉભો થઈ શકે છે. હાલ રાજ્યમાં એક બે નહીં પણ ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. એક સાથે વરસાદી સરક્યુલેશનની આટલી સિસ્ટમો સક્રિય થતાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત માટે આગામી દિવસો ભારે ચિંતાજનક સાબિત થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર રાજ્યમાં ત્રણે સિસ્ટમ સક્રિય થતાં ઉત્તરી, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગલા 3 દિવસ દરમ્યાન ધોધમાર વરસાદ વરસી શકે છે.
આજે સવારે પણ રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. ગઈકાલે પોણા 6 ઈંચ પછી આજે પણ 2 ઈંચ વરસાદ થયો છે. સુરતના બારડોલીમાં બે કલાકમાં 1.5 ઈંચ, તાપીના વાલોડ, ડોલવણ અને સોનગઢમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. બનાસકાંઠાના દાંતામાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
24 કલાકના વરસાદી આંકડા:
પાછલા 24 કલાકમાં રાજ્યના કુલ 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લાના ભીલોડામાં 6.5 ઇંચ વરસાદ થયો છે. તાપી, સુરત, વલસાડ, ડાંગ અને દ્વારકા જેવા વિસ્તારોમાં પણ 4 થી 6 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. કુલ 16 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે 41 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે.
ગુજરાતની આ નદીઓમાં આવી શકે છે પૂરઃ
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 24 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, જ્યારે 2થી 8 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તાપી અને નર્મદા નદીઓ બંને કાંઠે વહેવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય અને પાણી ઘરોમાં ઘૂસે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી:
હવામાન વિભાગે પણ ત્રીસ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિજ્ઞાનિ રામાશ્રય યાદવે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ આગામી 48 કલાક અત્યંત ગંભીર છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. એટલે દરિયાઇ વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.
ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકો માટે સુચનાઃ
નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકોએ તાકીદે સુરક્ષિત સ્થળે જવાનું આયોજન કરવું.
સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું.
શક્ય હોય તો આગામી 5 દિવસ પ્રવાસ ટાળવો.
દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોએ દરિયો ન ખેડવો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





