મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષ દ્વારા આયોજનબદ્ધ શહેરી વિકાસનો જે પાયો નાખ્યો હતો તેની બે દાયકાની સિદ્ધિ અને સફળતાને પગલે રાજ્ય સરકાર દ્વારા 2025નું આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શહેરી વિકાસ વર્ષમાં પરિવર્તનશીલ શહેરી વિકાસ માટેની નેમ સાથે શહેરોમાં વધુ ને વધુ જનસુખાકારીના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ ૪૧૭૯ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ રકમ મહાનગરો-નગરો માટે ફાળવવામાં આવી છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને નવરચિત ૩ મહાનગર પાલિકાઓ નડિયાદ, પોરબંદર અને મોરબી તથા નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામો માટે રૂ. 3768 કરોડ ફાળવ્યા છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાને અર્બન મોબિલિટી અને ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના ૩૪૯ કામો માટે રૂ.455 કરોડ, રાજકોટને 302 કામો માટે રૂ. 367 કરોડ અને અમદાવાદને ૨૫૨ કામો માટે રૂ. 2940 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવરચિત પોરબંદર મહાનગર પાલિકા માં 11 કામો માટે 6.20 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો અને નગરો-શહેરોમાં આઇકોનિક રોડ અન્વયે શહેરી સડક તેમજ ગૌરવ પથ નિર્માણ માટે સમગ્રતયા ૨૧૯ કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. તેમાં મોરબી મહાનગરપાલિકાને રૂ. ૧૫ કરોડ, નડિયાદ મહાનગરપાલિકાને રૂ. ૧૩ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૩૬ કરોડ અને નગરપાલિકાઓમાં ઉનાને રૂ. ૧૭.૭૬ કરોડ, હળવદને રૂ. ૧૯.૨૮ કરોડ તથા ખંભાળિયાને પાંચ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત પાણી પુરવઠા લાઈનોના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો માટે કુલ ૯૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂ.૬૧.૬૪ કરોડ, સાવરકુંડલા નગરપાલિકાને રૂ. ૧૯.૨૮ કરોડ અને ધાનેરાને રૂ. ૧૧.૩૧ કરોડ ફાળવાયા છે.
નગરોમાં આગવી ઓળખના કામો માટે વેરાવળ-પાટણ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાને કુલ રૂ. ૧૪ કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે વિસનગર, બોરસદ અને વિરમગામને રૂ. ૨.૭૨ કરોડના કામોની મુખ્યમંત્રીશ્રીએ અનુમતી આપી છે. એટલું જ નહીં, આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે રૂ. ૮૦ કરોડ રાજકોટને અને ૨.૭૨ કરોડ રૂપિયા પાટણને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવાયા છે.
મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષમાં નાગરિક કેન્દ્રિત શહેરોના નિર્માણના ધ્યેય સાથે અર્નિંગ વેલ – લિવિંગ વેલના મંત્રને સાકાર કરીને સ્માર્ટ, સસ્ટેઈનેબલ અને ગતિશીલ શહેરી કેન્દ્રો બનાવવા રાજ્યના શહેરો અને નગરોમાં સુવિધા-સુખાકારીના વિકાસ કામોને પ્રાથમિકતા આપવાના હેતુસર આ ૪૧૭૯ કરોડ રૂપિયાના કામો ની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.






