Bhavnagar Liquor Raid: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે ભાવનગર એલસીબી (LCB) પોલીસે દારૂના સોદાગરો પર જોરદાર પ્રહાર કર્યો છે. ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. ભાવનગર શહેરના મધ્યમાં આવેલા રહેણાંકી વિસ્તારમાં પોલીસે છાપો મારી લાખોની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
કાળુભા રોડ પરના મકાનમાં ચાલતું હતું દારૂનું નેટવર્ક
ભાવનગર એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના પોશ ગણાતા કાળુભા રોડ પર આવેલા એક રહેણાંકી મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની ટીમ જ્યારે મકાનમાં દાખલ થઈ ત્યારે મોટી માત્રામાં વિદેશી દારૂનો સંગ્રહ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રહેણાંકી મકાનની આડમાં ચાલતા આ ગેરકાયદેસર વ્યવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
₹12.61 લાખનો મુદ્દામાલ અને 3700 થી વધુ બોટલો જપ્ત
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં વિદેશી દારૂની કુલ 3744 બોટલો અને 120 નંગ બિયરના ટીન મળી આવ્યા છે. એલસીબીએ દારૂના આ જથ્થા સહિત કુલ ₹12,61,312 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચૂંટણીના સમયે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
બે આરોપીઓની ધરપકડ, એક ફરાર
પોલીસે સ્થળ પરથી બે શખ્સો સુનિલ મકવાણ, પ્રણવ ડોડીયાની અટકાયત કરી છે. આ ઉપરાંત, પૂછપરછ દરમિયાન હરેશ બારૈયા નામના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.






