ભાવનગરના વલ્લભીપુરમાં કાળાતળાવ ગામમાં ગુરૂવારે પાટીદાર સમાજના વૃદ્ધ ખેડૂત પર ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે મામલે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. જેના પડઘા છેક સુરત સુધી પડ્યા છે. આ મામલે બે હજાર પાટીદારોએ મોડી રાત્રે બેઠક યોજી અને સવારે સુરતથી 100થી વધુ ગાડીઓનો કાફલો કાળાતળાવ ગામે પહોંચ્યો હતો. પોલીસ સમક્ષ કડક સજાની માંગ કરી હતી. રેન્જ આઈજી ગૌતમ પરમાર સમક્ષ કડક કાર્યવાહી માંગ કરી હતી. બનાવ મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો પણ છે
માટી ભરવા મામલે માર માર્યો હતો
વિગતો મુજબ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અરજણભાઈના દીકરાઓ સુરત રહેતા હોવાથી તેઓ ગામમાં એકલા જ રહે છે. ત્યારે વરસાદમાં ખેતરનો પાળો તૂટી જતા માટી ભરવા આવેલા વૃદ્ધ ખેડૂત પર ત્રણ લોકોએ હુમલો કરી માર મર્યો હતો.
''ચિંતન કરવાનો સમય છે''
આ મુદ્દે કાંતિ દિહોરાએ કહ્યું કે, ઇજાગ્રસ્ત અરજણભાઈ ક્યારેય સામે મળેલા માણસને રામ રામ કરવા સિવાય કંઈ બોલ્યા નથી, તો પછી તેના પર હુમલો શું કામ થાય તે વિચારવાનો સમય છે. જે કંઈ બની રહ્યું છે એ આગળ જતા ન બને તેનું ચિંતન કરવાનો સમય છે''.
''IGએ અમને સંપૂર્ણ કાર્યવાહી કરવાની ખાતરી આપી''
ઈજાગ્રસ્ત થયેલા અરજણભાઈના દીકરા હરેશભાઇ દિહોરા જણાવ્યું કે, ''આઈજીએ અમને સંપૂર્ણ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ખેતરમાં ધોવાણ થતાં પાળો બનાવવા મારા પિતા માટી લેવા ગયા હતા''.
પાટીદારી સમાજની બેઠક બાદ કાર કાફલો...
આ સમગ્ર મામલે પાટીદાર સેવા સંઘની સંકલન મિટિંગમાં યોજાઈ હતી. જેમાં સમાજના આગેવાન વિજયભાઈ માંગુકિયા, અભિનભાઇ કળથિયા અલ્પેશભાઈ, અશોકભાઈ અધેવાડ સહિતના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત્રે બેઠક યોજાયા બાદ પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો સાથે અગ્રણીઓએ કારનો કાફલો લઈ સવારે ભાવનગરના કાળાતળાવ ગામે પહોંચ્યા હતા.






