જ્યાં એક તરફ કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે વિવાદો ઉભા થઈ રહ્યા છે, ત્યાં ભરૂચ જિલ્લામાં ચૂંટણીની તૈયારી એક સકારાત્મક ઉદાહરણરૂપ બની છે. અહીં પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનો માટે યોજાયેલ પોસ્ટલ બેલેટ મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું.
પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયું મતદાન
ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને આજે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ વ્યવસ્થા ખાસ કરીને તે જવાનો માટે કરવામાં આવી હતી, જે ચૂંટણી દરમિયાન ફરજ પર રહેશે અને સામાન્ય મતદાન કેન્દ્ર પર જઈ શકશે નહીં.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષા દળ (GRD)ના સભ્યોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં મતદાન પહેલાં જ વિવાદ : બેલેટ પેપર અંગે ગેરરીતિના આક્ષેપ
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
મતદાન દરમિયાન પોલીસ અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ અને GRDના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તમામે ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જેમાં કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા કે વિવાદ સામે આવ્યો નહોતો. મતદાન પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓએ વિશેષ ધ્યાન આપ્યું હતું.
સુચારૂ આયોજનથી મતદાન પ્રક્રિયા સફળ
મતદાન દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મતદાતાઓ માટે અલગ અલગ કાઉન્ટર, ઓળખ ચકાસણીની વ્યવસ્થા, બેલેટ પેપરનું વિતરણ અને સુરક્ષિત રીતે મતદાન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો: ચૂંટણી પંચનો મોટો બદલાવ! : પોસ્ટલ બેલેટ ખુલ્યા બાદ જ EVM વોટ કાઉન્ટિંગ થશે
પોસ્ટલ બેલેટ મતદાન શું છે
પોસ્ટલ બેલેટ એ એવી મતદાન પદ્ધતિ છે, જેમાં ખાસ કરીને ફરજ પર રહેલા સરકારી કર્મચારીઓ, સૈનિકો, પોલીસ અને અન્ય સેવા આપતા કર્મચારીઓને મતદાન કરવાની તક આપવામાં આવે છે. તેઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોય છે તેથી તેઓ માટે અગાઉથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમનો મત બેલેટ પેપરથી આપવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં યોજાયેલ આ પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. યોગ્ય આયોજનથી સફળતા પૂર્વક પૂર્ણ થયેલા મતદાનનો આ પ્રયાસ લોકશાહીને મજબૂત બનાવે છે. આ પ્રકારની ભૂમિકા મતદાતાઓમાં વિશ્વાસ વધારે છે.





