સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદના દરિયાપુર વિધાનસભા વિસ્તાર હેઠળ આવેલા ઘી કાંટા વિસ્તારમાં યોજાયેલી વિશાળ જનસભામાં રાજ્યના DyCM હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જોરદાર પ્રચાર કર્યો હતો. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની હાજરી નોંધાઈ હતી.
સભાની શરૂઆત ‘જય શ્રી રામ’ ના નારા સાથે કરતાં સંઘવીએ દરિયાપુરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર સીધા પ્રહાર કરતા કાયદો-વ્યવસ્થા અને શહેરના ભૂતકાળને કેન્દ્રમાં રાખીને તીવ્ર નિવેદનો આપ્યા હતા.
કાયદો-વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસ પર નિશાન
હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં અમદાવાદ શહેર ‘લતીફના અમદાવાદ’ તરીકે ઓળખાતું હતું. તેમણે આ સંદર્ભમાં ભૂતકાળની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તે સમયે શહેરમાં અસુરક્ષા અને અપરાધની સ્થિતિ વધુ ગંભીર હતી.
તેમણે આગળ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રથને બુલેટપ્રૂફ બનાવવાની જરૂર પડતી હતી. હાલની પરિસ્થિતિ સાથે તુલના કરતાં તેમણે દાવો કર્યો કે ભાજપના શાસનમાં સુરક્ષા મજબૂત બની છે અને હવે કોઈ પણ તત્વ રથયાત્રા સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત નથી રાખતું.
ઇતિહાસ અને વિકાસનો સંદર્ભ
સંઘવીએ દરિયાપુર વિસ્તારના ઐતિહાસિક મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર માત્ર રાજકીય એકમ નથી, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રારંભિક જાહેર જીવનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ જ ધરતી પરથી તેમણે પોતાના સામાજિક કાર્યની શરૂઆત કરી હતી. સંઘવીએ જણાવ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય વારસાને જાળવી રાખીને આધુનિક વિકાસ તરફ આગળ વધવાનો છે.
ધંધુકા ઘટના અને ‘બુલડોઝર’ કાર્યવાહીનો ઉલ્લેખ
ભાષણ દરમિયાન હર્ષ સંઘવીએ ધંધુકામાં બનેલી ધર્મેશ ભરવાડ હત્યા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કોઈપણ પ્રકારનો દબાણ સ્વીકારવામાં નહીં આવે.
તેમણે ‘બુલડોઝર કાર્યવાહી’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જ્યાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થશે ત્યાં કડક પગલાં લેવામાં આવશે. તેમના મુજબ, રાજ્યમાં હજારો હેક્ટર જમીન ગેરકાયદેસર કબજાથી મુક્ત કરવામાં આવી છે અને આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે.
સંસ્કૃતિ અને તહેવારો મુદ્દે રાજકીય ટકોર
મતદારોને સંબોધતા સંઘવીએ સંસ્કૃતિ અને તહેવારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે, જો કોંગ્રેસની એક પણ "ચૌદશ" ન જીતવી જોઈએ. જો તેઓ આવશે તો મોડે સુધી ચાલતી નવરાત્રી બંધ કરાવશે. ભાજપના શાસનમાં તમે વટથી તહેવારો ઉજવી શકો છો.
દાવો કર્યો કે જો કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો તહેવારો પર પ્રતિબંધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને નવરાત્રી જેવા તહેવારોનો ઉલ્લેખ કરીને તેમણે મતદારોને ચેતવણીરૂપ સંદેશ આપ્યો હતો.
આ પ્રકારના નિવેદનો રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે, કારણ કે તેમાં સંસ્કૃતિ અને રાજકારણને જોડવાનો પ્રયાસ જોવા મળે છે.
આ પણ વાંચો: રાજકોટમાં ભાજપની કડક કાર્યવાહી : ઉપલેટા ઉપપ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ, કેમ લીધો આ નિર્ણય?
મતદાન માટે અપીલ
સભાના અંતમાં હર્ષ સંઘવીએ તમામ કાર્યકરો અને નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અપીલ કરી કે ગમે તેવી ગરમી કે મુશ્કેલી હોય, પરંતુ કોઈપણ મતદાર મતદાન કર્યા વગર ન રહે.
આ જનસભા સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની ચૂંટણી ઝુંબેશને વધુ ગતિ આપી છે. આગામી દિવસોમાં અન્ય પક્ષો દ્વારા પણ આવી જ સભાઓ અને પ્રચાર અભિયાન તેજ બનવાની શક્યતા છે.





