સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બેલેટ પેપર અંગે સવાલો ઉભા કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગેરરીતિની આક્ષેપોથી રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ બેલેટ પેપર સાથે છેડછાડના આરોપો સામે આવતા વિરોધ પક્ષો રસ્તા પર ઉતરી આવ્યો છે.
મતદાન પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્થિત હોમગાર્ડ ઓફિસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપરથી મતદાન યોજાવાનું હતું. નિયમ મુજબ, બાપુનગર, સરસપુર અને ગોમતીપુર વિસ્તારોના હોમગાર્ડ જવાનોને સાંજે 5 વાગ્યા બાદ મતદાન માટે બોલાવવામાં આવ્યા હતા.
મતદાન મથક પર કોઈ પણ ચૂંટણી અધિકારી હાજર નહોતો અને બેલેટ પેપર ખુલ્લા કવરમાં કોઈ સુરક્ષા વગર જ મુકેલા જોવા મળતા કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો તથા સમર્થકોએ હોબાળો કર્યો હતો. હોમગાર્ડ જવાનોની ગેરહાજરીમાં જ તેમના નામે બેલેટ પેપર પર સિક્કા મારવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કરાયો હતો.
રાજકીય વિરોધ અને ધરણાં
આક્ષેપો સામે આવતા જ કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો તાત્કાલિક સક્રિય બન્યા. હોમગાર્ડ ઓફિસની બહાર એકત્ર થઈ વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી ધરણાં યોજ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી. સ્થિતિ તંગ બનતા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
અગાઉ પણ થઈ છે ફરિયાદો
આ ઘટના પહેલાં પણ હોમગાર્ડમાં ફરજ બજાવતા કેટલાક ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારોને ચૂંટણીલક્ષી કામગીરીથી દૂર રાખવાની માંગ ઉઠી હતી. વિરોધ પક્ષોએ અગાઉ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી કે આવા વ્યક્તિઓ ચૂંટણી પ્રક્રિયામાં અસર કરી શકે છે પરંતુ, આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે આ નવી ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે રાજ્ય ચૂંટણી પંચને લેખિત અરજી સાથે પુરાવા પણ સોંપવામાં આવ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા એ લોકશાહીના આધારસ્તંભો છે. જો મતદાન પહેલાં જ બેલેટ પેપર સાથે છેડછાડનાં આક્ષેપો સામે આવે, તો પરિણામોની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉભો થઈ શકે છે. આ મામલે હવે રાજ્ય ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે મહત્વપૂર્ણ રહેશે.





