Home Gujarat Vadodara Vadodara Election Campaign Bjp Aap Fight

"મારી વાઈફને AAPમાંથી ટિકિટ મળી તો ભાજપવાળાને બળતરા થઈ" : ગાળાગાળી અને ધક્કામુક્કી, માહોલ ગરમાતા ઉમેદવારો પ્રચાર છોડી ભાગ્યા

વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન બબાલ
Published by: Vishal Dave
Last Updated: Apr 22, 2026, 05:49 AM IST

Vadodara News: ચૂંટણી પ્રચારમાં ગાળાગાળી અને ધક્કામુક્કી, માહોલ ગરમાયો! "મારી વાઈફને AAPમાંથી ટિકિટ મળી તો ભાજપવાળાને બળતરા થઈ". સંસ્કારીનગરી વડોદરામાં બની છે આ ઘટના. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા. માં ભાજપના કાર્યકરો અને સ્થાનિક યુવક વચ્ચે હાથાપાઈની ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે. આપમાંથી જેની પત્નીને ટિકિટ મળી તે યુવકે પ્રચારમાં આવેલાં ભાજપના કાર્યકરો અને ઉમેદવારોને વિસ્તારના કામો વિશે સવાલ કરતા આ બાબલ ઉભી થઈ. જોત જોતામાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ગયો.

માહોલ ગરમાતા ભાજપના ઉમેદવારો પ્રચાર છોડીને ભાગ્યા

વડોદરાના કિશનવાડીમાં પૂર્વ કોર્પોરેટરની હાજરીમાં જ એસ.સી. સેલના પ્રમુખ યોગેશ પરમાર ગુંડાગીરી પર ઉતરી આવ્યા; સ્થાનિકોના રોષને પગલે ઉમેદવારોએ પ્રચાર અધવચ્ચે છોડી ભાગવું પડ્યું. ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે શહેરમાં સત્તાધારી પક્ષના ઉમેદવારોને જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5 માં ભાજપના ઉમેદવારોના પ્રચાર દરમિયાન આજે ભારે હોબાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કિશનવાડી વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલી ભાજપની ટીમ સામે સ્થાનિક યુવકે પાયાની સુવિધાઓ અંગે સવાલ કરતા મામલો બિચક્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાં પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિને પતાવવાનો પત્નીનો પ્રયાસ : જાણો કેનાલમાં ફેંકવા છતાં કઈ રીતે બચી ગયો પતિ

સવાલ પૂછનાર યુવક પર ભાજપના હોદ્દેદારનો હુમલો

મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરોની ટીમ કિશનવાડી વિસ્તારમાં મત માંગવા માટે પહોંચી હતી. આ દરમિયાન એક જાગૃત સ્થાનિક યુવકે વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે પૂર્વ કોર્પોરેટરને ધારદાર સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. લોકશાહી ઢબે રજૂઆત કરી રહેલા યુવકના સવાલોથી ભાજપ એસ.સી. સેલના પ્રમુખ યોગેશ પરમાર એકાએક અકળાઈ ઉઠ્યા હતા.

જાહેરમાં ગુંડાગીરી અને હુમલો

સવાલોનો જવાબ આપવાને બદલે સત્તાના નશામાં ચૂર હોદ્દેદાર યોગેશ પરમાર ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે જાહેરમાં જ રજૂઆત કરનાર યુવક સાથે ગાળાગાળી કરી તેના પર હુમલો કરી દીધો હતો. ભાજપના નેતા દ્વારા સામાન્ય નાગરિક પર કરવામાં આવેલા આ હુમલાને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું.

આ પણ વાંચોઃ Second Hand Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? : આ 10 વસ્તુઓ ચેક કર્યા વિના ના આપતા પૈસા, નહીં તો થશે લાખોનું નુકસાન

સ્થાનિકોએ ભાજપના નેતાઓને ભગાડ્યા

પોતાના વિસ્તારના યુવક પર થયેલા હુમલાને જોઈને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાજપના નેતાઓનો ઘેરાવો કર્યો હતો. લોકોએ 'ગુંડાગીરી નહીં ચાલે' ના નારા લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનો ઉગ્ર મિજાજ અને વધતો જતો રોષ જોઈને ભાજપના ઉમેદવારો અને નેતાઓમાં ફાળ પડી હતી. વાત વણસતી જોઈને ઉમેદવારો અને તેમની સાથે આવેલી ટીમ પ્રચાર અધવચ્ચે જ પડતો મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભાજપ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા છે કે જો પ્રચાર દરમિયાન જ નેતાઓ આટલી ગુંડાગીરી કરતા હોય, તો જીત્યા પછી જનતાની વાત કોણ સાંભળશે? હાલ આ મામલે કિશનવાડીમાં ચકચાર મચી ગઈ છે. ખરેખર આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ તમામ હદો પાર કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now