Home National Bengaluru Neighbors Clash Over Cat Kittens Ownership Acid Attack Threat

અજબ પ્રેમની ગજબ કહાની : બિલાડીના બચ્ચાંની 'કસ્ટડી' માટે પાડોશીઓ વચ્ચે જામી જંગ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન!

Bengaluru Cat Dispute Neighbors Clash
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 11:08 AM IST

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુના શેષાદ્રિપુરમ વિસ્તારમાં એક અત્યંત વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે મિલકત કે પાર્કિંગ માટે પાડોશીઓ વચ્ચે ઝઘડા થતા હોય છે, પરંતુ અહીં બે પરિવારો ચાર નવજાત બિલાડીના બચ્ચાંની માલિકી હક માટે સામસામે આવી ગયા હતા. આ મામલો એટલો ગંભીર બન્યો કે, પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. બિલાડીના બચ્ચાં કોના ગણાય - નર બિલાડાના માલિકના કે માદા બિલાડીના માલિકના? આ સવાલ પર શરૂ થયેલો વિવાદ એસિડ એટેકની ધમકી સુધી પહોંચી ગયો હતો.

નર બિલાડો પાડોશીનો અને માદા બિલાડી બીજાની: વિવાદનું મૂળ

આ અજીબ ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે એક ઘરની માદા બિલાડીએ પાડોશમાં રહેતા નર બિલાડા સાથે પ્રજનન કર્યું અને ચાર બચ્ચાંને જન્મ આપ્યો. થોડા દિવસો પહેલા જ્યારે બચ્ચાં તેમની માતા (માદા બિલાડી) ની પાછળ પાછળ માલિકના ઘરમાં ગયા, ત્યારે માદા બિલાડીના માલિકો નારાજ થઈ ગયા. તેઓ ચાર-ચાર બચ્ચાંની જવાબદારી લેવા માંગતા નહોતા. આથી, બંને પાડોશીઓ વચ્ચે દલીલ શરૂ થઈ કે, આ બચ્ચાંની માલિકી કોની ગણાય? માદા બિલાડીના માલિકનું કહેવું હતું કે, આ બચ્ચાં પાડોશીના નર બિલાડાના છે, તેથી તેમણે રાખવા જોઈએ.

આ પણ વાંચો: ભાગેડું નીરવ મોદીની ઘરવાપસી નક્કી? : CBIની સ્પેશિયલ ટીમ લંડન પહોંચી, ગમે ત્યારે ભારત લવાય તેવી શક્યતા

વહેલી સવારે હંગામો અને એસિડ એટેકની ધમકી

રવિવારે વહેલી સવારે પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે માદા બિલાડીના માલિક અને તેની પુત્રીએ ચારેય બચ્ચાંને પાડોશીના (જેમની પાસે નર બિલાડો છે) ઘરની સામે ફેંકી દીધા. આ બાબતે પાડોશીમાં ભારે રોષ જોવા મળ્યો અને જોતજોતામાં ઝઘડો ઉગ્ર બન્યો. આક્ષેપ છે કે, વિવાદ દરમિયાન માદા બિલાડીના માલિકે પાડોશીના બાળકો પર એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. આ ગંભીર ધમકી બાદ ડરી ગયેલા પાડોશીએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર પોલીસને જાણ કરી હતી.

પોલીસે કર્યો મધ્યસ્થીનો પ્રયાસ, પણ બચ્ચાં ગૂમ!

શેષાદ્રિપુરમ પોલીસ સ્ટેશનની હોયસલા ટીમ સવારે 7 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને શાંત પાડ્યા અને સમજાવ્યા હતા. પોલીસે એક વચગાળાનો રસ્તો કાઢતા સૂચન કર્યું કે, બંને પરિવારો બબ્બે બચ્ચાંની જવાબદારી ઉઠાવે. જોકે, આ આખી લડાઈ દરમિયાન એક દુઃખદ વળાંક એ આવ્યો કે, જ્યારે બંને પરિવારો ઝઘડવામાં મશગૂલ હતા, ત્યારે ચારેય નવજાત બચ્ચાં ક્યાંક ભટકી ગયા કે ખોવાઈ ગયા હતા. લાચાર માતા બિલાડી આસપાસમાં પોતાના બચ્ચાંને શોધતી જોવા મળી હતી.

કાયદાકીય કાર્યવાહીની તૈયારી

પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે, પરંતુ એસિડ એટેકની ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. નર બિલાડાના માલિકે આ ધમકી અને અભદ્ર વર્તન બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક નિર્દોષ બિલાડીના પરિવારને કારણે બે પરિવારો વચ્ચે સર્જાયેલો આ હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે સમગ્ર બેંગલુરુમાં ચર્ચાનો વિષય બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now