Home National Bengal Asansol Violence Police Station Attacked Over Loudspeaker Volume Gujarati

બંગાળના આસનસોલમાં ભારે હંગામો : લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાનું કહેતાં જ પોલીસ ચોકી પર પથ્થરમારો અને તોડફોડ, પેરામિલિટરી ફોર્સ તૈનાત

Bengal Asansol clash violence
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 04:46 AM IST

Bengal Asansol clash: પશ્ચિમ બંગાળના આસનસોલ શહેરમાંથી હિંસા અને તણાવના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આસનસોલના રેલપાર વિસ્તારમાં શુક્રવારે રાત્રે અચાનક જ સ્થિતિ વણસી ગઈ હતી અને ઉશ્કેરાયેલી ભીડે પોલીસ ચોકીને નિશાન બનાવી ભારે તોડફોડ તેમજ પથ્થરમારો કર્યો હતો. આ આખી ઘટના પાછળનું મુખ્ય કારણ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો અવાજ ઓછો રાખવાનો પોલીસનો નિર્દેશ હોવાનું સામે આવ્યું છે. ભીડને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારના કડક આદેશ બાદ પોલીસ પ્રશાસને આસનસોલના સંવેદનશીલ વિસ્તારોમાં લાઉડસ્પીકરનો અવાજ મર્યાદિત રાખવાની અપીલ કરી હતી. આ બાબતે શુક્રવારે દિવસે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે સામાન્ય વાતચીત પણ થઈ હતી. પરંતુ, સાંજ પડતા જ આ મામલાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને સેંકડો લોકોની ભીડ એકઠી થઈને સ્થાનિક પોલીસ ચોકી પર તૂટી પડી હતી. ભીડે પોલીસકર્મીઓ ઉપરાંત સામાન્ય જનતાના વાહનોમાં પણ તોડફોડ કરી હતી, જેમાં કેટલાક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી છે.

આસનસોલમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત, CCTVથી તોફાનીઓની ઓળખ શરૂ

શહેરમાં બનેલી આ હિંસક ઘટના બાદ તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ (અર્ધલશ્કરી દળો) તૈનાત કરી દેવામાં આવી છે. આસનસોલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) વીજી સતીશ પસુમાર્થીએ મીડિયાને જણાવ્યું હતું કે, "હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ ચિંતાજનક બાબત નથી. પોલીસ ચોકી પર હુમલો કરનારા અસામાજિક તત્વોને પકડવા માટે વિસ્તારના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. કાયદો હાથમાં લેનારા તમામ તોફાનીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

CM સુવેન્દુ અધિકારીનો મોટો આદેશ: લાઉડસ્પીકર પર પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી બનેલા સુવેન્દુ અધિકારીએ ૧૩ મેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર ઊંચા અવાજવાળા લાઉડસ્પીકરના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે પોલીસ પ્રશાસનને દરેક વિસ્તારમાં આ નિયમનું કડક પાલન કરાવવા અને અવાજ પ્રદૂષણ પર નજર રાખવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા. આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ સિંહાએ જણાવ્યું હતું કે, લાઉડસ્પીકર પર પ્રતિબંધનો આ આદેશ વાસ્તવમાં મમતા બેનર્જીની સરકારના સમયમાં જ હાઈકોર્ટે આપ્યો હતો. પરંતુ વોટબેંકની રાજનીતિના કારણે મમતા સરકારે ક્યારેય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે માઈક કે લાઉડસ્પીકર પર પ્રતિબંધ લાગુ થવા દીધો નહોતો.

મુખ્યમંત્રી બન્યા બાદ સુવેન્દુ અધિકારીના 4 મોટા નિર્ણયો

બંગાળની ગાદી સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યની રાજનીતિ અને વ્યવસ્થા બદલવા માટે ચાર મોટા અને સનસનાટીપૂર્ણ નિર્ણયો લીધા છે:

1. શાળાઓમાં વંદે માતરમ્ ફરજિયાત: રાજ્યની તમામ સરકારી અને સરકારી અનુદાન મેળવતી શાળાઓમાં સવારની પ્રાર્થના સભા (એસેમ્બલી) માં 'વંદે માતરમ્' ગાવું ફરજિયાત કરી દેવાયું છે, જેમાં તમામ વિદ્યાર્થીઓએ અનિવાર્યપણે ભાગ લેવો પડશે.

2. બાંગ્લાદેશ બોર્ડર ફેન્સિંગ માટે જમીન: રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ (ફેન્સિંગ) કરવા માટે BSFને આગામી ૪૫ દિવસની અંદર જ જમીન ટ્રાન્સફર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

3. ગૌવંશ/પશુ ક્રૂરતા પર પ્રતિબંધ: 'ફિટનેસ સર્ટિફિકેટ' વગર કોઈપણ પશુની હત્યા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સર્ટિફિકેટ પણ નગરપાલિકા પ્રમુખ, પંચાયત સમિતિના પ્રમુખ અને સરકારી પશુચિકિત્સકની સંયુક્ત મંજૂરી બાદ જ જારી થઈ શકશે.

4. નવા ફોજદારી કાયદા (BNS) ને મંજૂરી: પશ્ચિમ બંગાળમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ને સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવી છે. અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આક્ષેપ હતો કે તેમણે કેન્દ્રના જૂના IPC અને CrPC બદલવાના આ કાયદાને જાણી જોઈને બંગાળમાં અટકાવી રાખ્યો હતો.

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે મોટી રાહત: હોર્મુઝની સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ વધ્યા 2 LPG ટેન્કરો, 'સિમી' આજે પહોંચશે કંડલા બંદરે

ચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળમાં અટકવાનું નામ નથી લેતી હિંસા

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી જ રાજકીય હિંસાનો સિલસિલો યથાવત છે. પરિણામોના ગણતરીના દિવસો બાદ જ, ૬ મેના રોજ નોર્થ ૨૪ પરગણા વિસ્તારમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની સ્કોર્પિયો કારમાં ઘરે જતી વખતે ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના જુદા જુદા ભાગોમાં અન્ય ભાજપ અને TMC સમર્થકોની પણ હત્યાઓ થઈ છે, જ્યારે કલકત્તા સહિતના ઘણા શહેરોમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યાલયો પર હુમલા અને તોડફોડની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now