પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા 185 જેટલા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટમાં મૂળ પાકિસ્તાનના લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-2019 હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી. આ દરિમયાન ભારતીય નાગરિકતા લેનાર લોકોએ ભારતઅંગે પ્રતિભાવ પણ આપ્યો હતો.
રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં મૂળ ભારતના અને પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકોએ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. રાજકોટના મહિલા લાભાર્થી આશાબેન બેચરભાઈએ પોતાની આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, આજથી હું ભારતવાસી અને ભારત દેશના પરિવારનો અનન્ય હિસ્સો બની છું. મને અહિંયાનું નાગરિકત્વ મળતાં ખુબ જ આનંદ થયો છે. હું સુરક્ષા અને સલામતી અનુભવું છું અને આજથી હું ભારતીય તરીકે ઓળખાઈશ જેની મને ખુશી છે.
મૂળ ભારતીય અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ભાવનાબેન મહેશ્વરીને આજે ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર મળતાં તેમની વર્ષોની અભિલાષા પૂર્ણ થઇ હતી. આ વેળાએ તેઓ જણાવે છે કે, હવે “ગર્વ સાથે કહી શકીશ કે, હું ભારતીય નાગરિક છું.” છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહી આઠ વર્ષથી નોકરી કરીને આત્મનિર્ભર બની છું. જો પાકિસ્તાનમાં રહેતી હોત તો આજે હું આટલું સારું જીવન વ્યતીત ન કરતી હોત. ભારતીય નાગરિકત્વ મેળવવામાં મને વહીવટી તંત્ર અને સરકાર ખૂબ જ મદદરૂપ બની છે. જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.





