Home Gujarat Become Self Employed By Farming Earts

અળસિયાંની ખેતી કરી મેળવો રોજગાર : જાણો,ખેડૂતોના મિત્ર તરીકે ગણાતા અળસિયાની ખાસિયત

અળસિયાંની ખેતી કરી મેળવો રોજગાર
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 03:39 PM IST

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી માટે ભેખ ધર્યો છે. ગુજરાત સરકાર પણ તેમની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે. પ્રાકૃતિક કૃષિને લગતાં પરિસંવાદો, કાર્યશાળાઓ કે સંમેલનોમાં પોતાના વક્તવ્યમાં અચૂકપણે જેને યાદ કરતાં હોય છે, એ છે અળસિયું. અળસિયું કુદરતી રીતે હળ જેવું કામ આપીને જમીનને ફળદ્રુપ બનાવવામાં મહામૂલું યોગદાન આપતાં હોય છે. અળસિયું પ્રાકૃતિક કૃષિનો એક આધાર બનીને ઊભર્યું છે.

સાવ મફતમાં છતાં પણ મૂલ્યવાન સેવા આપનારા ખેડૂત-મિત્ર અળસિયાને ઓળખવું જરૂરી છે. વિખ્યાત નેચરાલિસ્ટ વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને અળસિયા વિશે એક નોંધમાં લખેલું, હળ માણસે શોધેલું અને ઘણું કીમતી ઓજાર છે, પરંતુ માનવી પૃથ્વી પર પેદા થયો તેના ખૂબ પહેલાં અળસિયાં નિયમિત રીતે જમીન ખેડતાં હતાં અને આજ સુધી ખેડતાં રહ્યાં છે. અળસિયાં કુદરતના જમીન ખેડનાર જબરદસ્ત સેવકો તરીકે સદીઓથી કાર્યરત છે. આ અળસિયાં જમીનને સજીવ અને ફળદ્રુપ બનાવવા માટે મૂંગામોંઢે સતત મથતાં રહે છે. અળસિયું આજીવન માટી ખાય છે અને તેની હગાર જમીન માટે પોષકતત્ત્વોના પેકેજથી કમ નથી હોતી. અળસિયું મરી જાય તોપણ તેના પ્રોટીનયુક્ત મૃતદેહનું વિઘટન થતાં પોષકતત્ત્વો પાચ્ય સ્વરૂપમાં છોડ-વનસ્પતિને મળતાં હોય છે. એટલે જ કહી શકાય કે અળસિયું માટી ખાય, એને જોઈને ખેડૂત મલકાય!

અળસિયા માટી ખાઈને જે ખાતર બનાવે છે, તેમાં નાઇટ્રોજન સ્થિર સ્વરૂપમાં હોય છે. વળી, નાઇટ્રોજન માટીના કણો સાથે એકરૂપ થયેલું હોવાથી, તે ઊડી જતું નથી, પરંતુ સીધું છોડ-વનસ્પતિને મળે છે. એક અભ્યાસ અનુસાર અળસિયા દ્વારા ખેડાયેલી જમીનમાં અન્ય જમીનની સરખામણીએ પાંચ ગણું વધારે નાઇટ્રોજન, સાત ગણું વધારે ફોસ્ફરસ, અગિયાર ગણું પોટાશ, ત્રણ ગણું મેગ્નેશિયમ અને ત્રણ ગણો સેન્દ્રિય કાર્બન હોય છે, એટલું જ નહિ, અળસિયાની હાજરીને કારણે એ જમીનમાં વાપ્સા (હ્યુમસ) ચાલીસ ટકા વધારે જોવા મળે છે.

અળસિયાંથી પ્રાકૃતિક ખેતીમાં થતાં ફાયદા
- અળસિયાંએ જમીન ખેડીને તૈયાર કરાયેલા ખાતરને કારણે જમીનનો પીએચ આંક સાતની નજીક રહે છે. 
- અળસિયાં પોતાના વજનનું 60 ટકા પાણી જમીનને આપે છે. એટલે જ જમીનમાં પૂરતા પ્રમાણમાં અળસિયાં હોય તો પિયતમાં 10 ટકા પાણી ઓછું જોઈએ છે. બે પિયત વચ્ચેનો ગાળો પણ લાંબો થઈ શકે છે.
- અળસિયા જમીનના જરૂરી પોષકતત્ત્વોને પાક-વનસ્પતિ પચાવી શકે એવા સ્વરૂપમાં ફેરવી આપે છે. તથા છોડના મૂળ પાસે જ હગાર છોડે છે, જેથી તેની વૃદ્ધિને વેગ મળે છે.
- અળસિયા સર્જિત ખાતર દર વર્ષે પૂરતા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા કાયમી ધોરણે ટકી રહે છે.
- અળસિયાંની હાજરી અને હરફરને કારણે જમીનમાં નાની નાની નાળ બનતી જાય છે, જેનાથી જમીનમાં પોલાણ વધે છે, જેથી જમીનની જળ-નિતારશક્તિ વધે છે તથા હવાની અવરજવર રહેતાં ગરમી-ઠંડીનું નિયમન થાય છે.
- માટીની સાથે સાથે સૂક્ષ્મ જીવાણુઓ પણ અળસિયાંના પેટમાં જાય છે, તે હગાર વાટે બહાર આવે છે. હગારમાં જીવાણુંઓની સક્રિયતા વધી જાય છે. એક અભ્યાસ મુજબ હગાર છોડ્ય પછી તેમાં જીવાણુઓની સંખ્યા પ્રથમ અઠવાડિયામાં બમણી થાય છે. આમ, ખેતીમાં ઉપયોગી જીવાણુઓ માટે પણ અળસિયું આશીર્વાદરૂપ છે.
- અળસિયાં ‘નેમેટોડ’ જેવા પરોપજીવીનો 30 ટકા ઘટાડો કરે છે.

અળસિયું એક એવું સજીવ છે, જે અનેક અજાયબીઓથી ભરેલું છે. તેની શરીરરચના અચરજ પમાડે એવી છે. અળસિયાને આંખ કે કાન હોતાં નથી. અળસિયાને હાડપિંજર હોતું નથી. તેને આપણી જેવું અલાયદું શ્વસનતંત્ર પણ હોતું નથી. તે પોતાના શરીરની સપાટીમાંથી શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય છે. અળસિયાની સૌથી અસાધારણ ક્ષમતા એ છે કે તેને જો કોઈ ઇજા પહોંચે અને અમુક અંગ કપાઈને તેના બે ટુકડા થઈ જાય તો કપાયેલા બન્ને ભાગોમાંથી બે અળસિયાં બની જાય છે! અળસિયાં ઈંડાં મૂકે છે. ઇંડાં સેવાઈ જાય પછી તેમાંથી અળસિયાંનાં બચ્ચાં જન્મે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now