અમદાવાદ જિલ્લાના બાવળા-ચાંગોદર માર્ગ પર વહેલી સવારે સર્જાયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મટોડા પાટિયા નજીક હાઇવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો: "...તો ભારતમાં હિન્દુ ઘટયાં ન હોત" : રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથા શરૂ, નિવેદન ચર્ચામાં
108 દ્વારા તાત્કાલિક સારવાર
અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે. અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના ચકચારી અપહરણ અને લૂંટ કેસમાં મોટો ટ્વિસ્ટ : ફરાર આરોપી આકાશ થાપાનું હાર્ટ એટેકથી મોત
ચાંગોદર પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ ચાંગોદર પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા.
મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હીની હોટલ દુર્ઘટના બાદ વડોદરા તંત્ર એલર્ટ : ફાયર વિભાગના મેગા ચેકિંગમાં 678 ઈમારતોને નોટિસ
ફરાર વાહનચાલકની શોધખોળ
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે વાહન અને તેના ચાલકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
હાઇવે પર વધતા હિટ એન્ડ રનના બનાવો ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માત માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






