Home Gujarat Vadodara Vadodara Fire Department Mega Drive Fire Safety Violations Hotels Restaurants

દિલ્હીની હોટલ દુર્ઘટના બાદ વડોદરા તંત્ર એલર્ટ : ફાયર વિભાગના મેગા ચેકિંગમાં 678 ઈમારતોને નોટિસ

વડોદરા
Published by: Chintan Chavda
Last Updated: Jun 06, 2026, 05:43 AM IST

દિલ્હીમાં તાજેતરમાં એક હોટલમાં સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને ફાયર બ્રિગેડ દ્વારા કડક એક્શન મોડ અપનાવવામાં આવ્યો છે. શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, બેન્કવેટ હોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે એક વ્યાપક અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારી બેદરકારી સામે આવી છે.

કિચનથી લઈને પાર્કિંગ સુધી નિયમોનું ઉલ્લંઘન

ફાયર વિભાગની જુદી-જુદી ટીમોએ વાઘોડિયા રોડ હાઈવે પર આવેલી મોલ અને ટક્સ ગેલેક્સી સહિત શહેરના અનેક મોખરાના વિસ્તારોમાં આકસ્મિક તપાસ (સરપ્રાઈઝ ચેકિંગ) હાથ ધરી હતી. આ મેગા ડ્રાઈવ દરમિયાન 400 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું માલૂમ પડ્યું છે. આ બહુમાળી ઈમારતોમાં આગ સામે રક્ષણ આપતી કોઈ સક્ષમ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બિલ્ડિંગના પાર્કિંગ માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓમાં ગેરકાયદેસર રીતે આખેઆખા બેન્કવેટ હોલ અને ઓફિસો બનાવી દેવામાં આવી હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર! : હવે વોટ્સએપ પર જ મળશે પાલિકાની તમામ સેવાઓ, કચેરીઓના ધક્કાથી મળશે મુક્તિ

તપાસ દરમિયાન સામે આવેલી ગંભીર ખામીઓ:

બંધ હાલતમાં સિસ્ટમ: અનેક સ્થળોએ ફિક્સ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં મળી આવી હતી.

ખોરવાયેલી વ્યવસ્થા: આગ ઓલવવા માટેના મોટર પંપ બિનકાર્યક્ષમ હતા.

એક્સપાયરી ડેટના સિલિન્ડર: કટોકટીના સમયે ઉપયોગી એવા અગ્નિશામક સિલિન્ડરો સમયસર રિફિલ કરાવ્યા વગરના એક્સપાયર્ડ જોવા મળ્યા હતા.

અધિકારીઓએ ખાસ કરીને હોટલના કિચન વિભાગોમાં ગેસ લાઈન, ઈમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામક સાધનોની ઝીણવટભરી તપાસ કરી હતી.

આ પણ વાંચો: પ્રજ્ઞાનંદએ રચ્યો ઇતિહાસ! : બન્યા નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય, કાર્લસનને પાછળ છોડીને જીત્યો ખિતાબ

વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસના ફાયર ઓફિસર એચ.આર. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં નિયમોનો ભંગ કરનારી 678 ઈમારતો અને મિલકતોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. આવી ગંભીર બેદરકારી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે. નોટિસ મેળવનાર તમામ એકમોને નિર્ધારિત સમયમર્યાદામાં ખામીઓ સુધારી લેવા કડક તાકીદ કરાઈ છે. જો નિયમોનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં મિલકતો સીલ કરવા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now