Home Gujarat Surat Surat Acb Case Retired Assistant Engineer Disproportionate Assets Rs 68 Lakh

સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સામે ACBનો ગુનો : રૂ.68.98 લાખની અપ્રમાણસર મિલકતનો આક્ષેપ

નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર રસીક મગનભાઈ
Published by: Chintan Chavda
Last Updated: Jun 06, 2026, 09:31 AM IST

સુરત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર રસીકભાઈ મગનભાઈ પટેલ સામે અપ્રમાણસર મિલકત એકત્ર કરવાના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં રૂ.68,98,490ની અપ્રમાણસર મિલકત મળી આવી હોવાનું સામે આવ્યું છે, જે તેમની આવક કરતાં 70.13 ટકા વધુ હોવાનું ACBની તપાસમાં જણાયું છે.

ACB અનુસાર, રસીકભાઈ પટેલ સુરત મહાનગરપાલિકામાં વર્ગ-3ના આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત છે. તેમની સામેની તપાસમાં વર્ષ 2011થી 2020 દરમિયાનના નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરજકાળ દરમિયાન વિવિધ રીતે કાયદેસરની આવક કરતાં વધુ સંપત્તિ વસાવવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: પટના કોચિંગ ફાયરિંગ કેસમાં ખાન સર સિવિલ કોર્ટ પહોંચ્યા : સરેન્ડર બાદ જામીન અરજીની તૈયારી

2011 થી 2020 ના સમયગાળાની તપાસમાં ખુલાસો

તપાસ મુજબ તા. 1 જાન્યુઆરી, 2011થી તા. 31 માર્ચ, 2020 સુધીના સમયગાળા દરમિયાન આરોપીએ પોતાની જાણીતી આવકના સ્ત્રોતોની સરખામણીમાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળ્યું છે. ACBના દાવા મુજબ આ સંપત્તિનો આંકડો રૂ.68.98 લાખ સુધી પહોંચે છે.

તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે ACBએ આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 તેમજ 2018ના સુધારા અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: CBSE 12મા ધોરણના રી-ઇવેલ્યુએશનની છેલ્લી તારીખ 7 જૂન સુધી લંબાવાઈ : બોર્ડના સર્વર પર ભારે સાયબર એટેક બાદ FIR દાખલ

ACB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

આ મામલે સરકાર તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધેડુક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેના આધારે સુરત શહેર ACB પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(e) સાથે સંબંધિત જોગવાઈઓ અને સુધારા અધિનિયમ-2018ની કલમ 13(1)(b) તથા 13(2) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ACBના જણાવ્યા મુજબ, આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી કરી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસ પર મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દેખરેખ રાખી રહ્યા છે.

આ પણ વાંચો: રાજધાનીમાં યુવાશક્તિના બે રંગ : એક તરફ રસ્તા પર ઉતરી યુવાનોનો વિરોધ, બીજી તરફ 'વિકસિત ભારત' માટે 6 હજારથી વધુ યુવાનો એક મંચ પર

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBનું જનતાને આહ્વાન

ACBએ નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી કાયદેસરના મહેનતાણા સિવાય ગેરકાયદેસર લાંચની માંગણી કરે તો તેની જાણ ACBને કરવી જોઈએ. આ માટે ટોલ ફ્રી નંબર 1064 સહિતના સંપર્ક માધ્યમો જાહેર કરવામાં આવ્યા છે.

આ કેસમાં આગળની તપાસ દરમિયાન વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. ACB દ્વારા સંપત્તિના સ્ત્રોતો, નાણાકીય વ્યવહારો અને અન્ય સંબંધિત દસ્તાવેજોની વધુ ચકાસણી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now