Home Gujarat Ahmedabad Ahmedabad Fake Currency Notes Racket Busted Rs 28 Lakh Seized

અમદાવાદમાં નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપાયું : 2800000 થી વધુની બનાવટી નોટો જપ્ત

નકલી નોટો સાથે ઝડપાયેલ આરોપીના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 06, 2026, 09:51 AM IST

અમદાવાદ શહેરમાં નકલી ભારતીય ચલણી નોટો બનાવતા અને બજારમાં ચલાવવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસ સ્ટેશન અને ઝોન-8 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી આશરે રૂ.28.94 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક મુખ્ય આરોપીનું અગાઉ મૃત્યુ થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, વટવા વિસ્તારમાં બનેલા એક હત્યાના કેસની તપાસ દરમિયાન મૃતકના ફ્લેટમાંથી નકલી નોટો બનાવવાના વિવિધ સાધનો અને સામગ્રી મળી આવી હતી. ત્યારબાદ તપાસનો વ્યાપ વધારતા નકલી ચલણી નોટો બનાવવાના સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો: પ્રજ્ઞાનંદએ રચ્યો ઇતિહાસ! : બન્યા નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય, કાર્લસનને પાછળ છોડીને જીત્યો ખિતાબ

ભાડાના મકાનમાં ચાલતું હતું નકલી નોટોનું કારખાનું

તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ વટવાના સતેજ હોમ્સ વિસ્તારમાં ભાડે મકાન રાખીને નકલી રૂ.500ની ચલણી નોટો બનાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓ દ્વારા કલર પ્રિન્ટર, લેપટોપ અને અન્ય સાધનોની મદદથી બનાવટી નોટો તૈયાર કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેને બજારમાં ચલાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ માર્ચ 2026થી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ગેંગે આશરે રૂ.60 લાખ જેટલી નકલી ચલણી નોટો તૈયાર કરી હોવાનું અનુમાન છે.

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સુધી ફેલાયેલું નેટવર્ક

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ, રવિકુમાર, ચંદ્રમોહન, સુરજ સહાની અને મેરાજભાઈ રબારી સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ સંડોવણી સામે આવી છે.

તપાસ દરમિયાન આરોપીઓએ નકલી નોટો અને સાધનોને અલગ-અલગ રાજ્યોમાં સંતાડ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના સ્થળોએ દરોડા પાડી મોટી માત્રામાં નકલી ચલણી નોટો જપ્ત કરી હતી.

આ પણ વાંચો: વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર! : હવે વોટ્સએપ પર જ મળશે પાલિકાની તમામ સેવાઓ, કચેરીઓના ધક્કાથી મળશે મુક્તિ

રૂ.28.94 લાખની નકલી નોટો જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.28,94,800ની નકલી ભારતીય ચલણી નોટો કબ્જે કરી છે. ઉપરાંત નકલી નોટો છાપવા માટે વપરાતા કલર પ્રિન્ટર, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ગણાતા ઇમરાન સબ્બીર સિંઘા સામે અગાઉ પણ નકલી ચલણી નોટોના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે. તેના વિરુદ્ધ ગોધરા અને સુરતમાં પણ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હતા.


આ પણ વાંચો: રાજધાનીમાં યુવાશક્તિના બે રંગ : એક તરફ રસ્તા પર ઉતરી યુવાનોનો વિરોધ, બીજી તરફ 'વિકસિત ભારત' માટે 6 હજારથી વધુ યુવાનો એક મંચ પર

ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કાવતરું

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ નકલી ચલણી નોટો બજારમાં પ્રવેશાવી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઝોન-8ના નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ LCB અને વટવા પોલીસની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. કેસમાં હજુ વધુ ધરપકડ અને નવા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now