Home Gujarat Baps Sant Acharya Swami Gujarati Maharaj Pramukh Swami Maharaj

BAPS પરિવારને પડી સૌથી મોટી ખોટ : સંતો અને હરિભક્તો સૌ કોઈ શોકમાં! પ્રમુખ સ્વામી મહારાજના નજીકના ગણાતા સંતનો અક્ષરવાસ

BAPS પરિવારને પડી સૌથી મોટી ખોટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 04:39 AM IST

BAPSના વરિષ્ઠ સંત આચાર્ય સ્વામીનો અક્ષરવાસ

શ્રી પૂજ્ય નરેન્દ્રપ્રસાદદાસનો સુરતમાં અક્ષરવાસ

સંતો અને હરિભક્તોમાં ઉંડા શોકની લાગણી પ્રસરી


BAPS: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય શ્રી નરેન્દ્રપ્રસાદદાસ સ્વામીનો અક્ષરવાસ થયો છે. વર્ષ 1950માં ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલાં સિંગડા ગામમાં જન્મેલાં આચાર્ય સ્વામીનો 2 ઓગસ્ટ 2025ના રોજ સુરત ખાતે અક્ષરવાસ થયો છે. આચાર્ય સ્વામીજીના અક્ષરવાસથી BAPS પરિવારને પડી મોટી ખોટ.

પૂર્વાશ્રમમાં પૂર્વ આફ્રિકામાં મોમ્બાસા ખાતે પ્રાથમિક અભ્યાસ કરીને ભારત આવેલા પૂજ્ય નરેન્દ્રપ્રસાદદાસ સ્વામી યુવાવયથી દેશભક્તિ અને ભગવદ્ ભક્તિના રંગે રંગાયેલા હતા. વલ્લભવિધાનગરમાં કોલેજનો અભ્યાસ કરતાં કરતાં તેઓ બી.એ.પી.એસ. છાત્રાલયમાં સત્સંગના રંગે વધુ રંગાયા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગના એક થનગનતા યુવાન સ્વયંસેવક તરીકે તેઓ સેવા આપી રહ્યા હતા, સાથે સાથે રાષ્ટ્રસેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને અપાર વાત્સલ્યથી પ્રેરાઈને સન 1973માં તેઓનાં ચરણોમાં જીવન સમર્પિત કરી તેઓ સાધુ નરેન્દ્રપ્રસાદદાસ બન્યા. પૂર્વાશ્રમમાં તેઓ આચાર્ય તરીકે ઓળખાતા હોવાથી આચાર્ય સ્વામીના હુલામણા નામથી વધુ સૌના પ્રિય બન્યા.

1972-74નાં વર્ષોમાં મુંબઈ ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા બી.એ.પી.એસ. સત્સંગપ્રવૃત્તિનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાવ્યું, તેમાં તેઓની સાથે આચાર્ય સ્વામીને સેવામાં જોડયા. સન 1975-76માં પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અમદાવાદમાં સ્થાયી થયા અને સંસ્થાનું મધ્યસ્થ કાર્યાલય અમદાવાદમાં સ્થળાંતરિત કર્યું ત્યારે તેઓની સાથે આચાર્ય સ્વામી પણ અમદાવાદ સ્થાયી થયા. ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી તેઓ દસક્રોઈ, ચરોતર વગેરે પ્રાંતોમાં ધર્માદા માટે વિચરણ કરવામાં લાગી ગયા. ખૂબ કષ્ટો વેઠીને તેઓ ગામડે ગામડે વિચરતા રહ્યા.

સન 1976 થી 1981 દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પર્વે અનેકવિધ આયોજનો કર્યાં તેમાં અને બી.એ.પી.એસ. સ્વયંસેવકદળના સંગઠન માટે તેમણે ઉત્સાહપૂર્વક ખૂબ યોગદાન આપ્યું. પ્રમુખસ્વામી મહારાજે 1980માં તાલીમકેન્દ્રનો આરંભ કર્યો ત્યારે શરૂઆતમાં સંત તાલીમકેન્દ્રના એક સૂત્રધાર તરીકે પણ તેમણે ખૂબ સેવાઓ આપી.

1983થી પ્રમુખસ્વામી મહારાજે તેમને દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરવાની આજ્ઞા કરી. આથી સુરતથી લઈને સેલવાસ સુધીના વિશાળ પટ પર તેઓ ગામડે ગામડે વિચરતા રહ્યા. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી અને ડાંગ વિસ્તારમાં તેમણે સત્સંગની ખૂબ જાગૃતિ આણી. તેના પ્રતાપે ઠેર ઠેર સત્સંગ મંડળો સ્થપાયાં અને મંદિરોનાં સર્જનો થયાં.

1999માં પ્રમુખસ્વામી મહારાજે પૂર્વ આફ્રિકામાં નૈરોબીમાં શિખરબદ્ધ મંદિર રચ્યું ત્યારબાદ તેઓને પૂર્વ-દક્ષિણ આફ્રિકાના સત્સંગ વિકાસ માટે ત્યાં પણ વિચરણ કરવાની આજ્ઞા કરી. એ આજ્ઞા ઝીલીને તેમણે આફ્રિકા ખંડમાં પણ સત્સંગ-જાગૃતિ માટે ખૂબ પુરુષાર્થ કર્યો. સ્વાસ્થ્ય અનુકૂળ ન રહેતાં પ્રમુખસ્વામી મહારાજે તેઓને નવસારી ખાતે સ્થાયી કરીને પુનઃ દક્ષિણ ગુજરાતના સત્સંગ વિકાસમાં જોડી દીધા.

સૌ પ્રત્યે અપાર સ્નેહ, સદા હસમુખા, સદા આનંદી અને સત્સંગમય જીવનથી સૌ કોઈનો કરનાર આચાર્ય સ્વામી બી.એ.પી.એસ. સંસ્થાના મહોત્સવોમાં અનેકવિધ જવાબદારીઓ નિભાવતા હોવા છતાં, તેઓ ભજનકુટિરોમાં ભજનની રમઝટ જમાવતા. એમની કથા એટલે જાણે આનંદોત્સવ. સતત હસતા-હસાવતા તેઓ ગહન આધ્યાત્મિક વાતો સરળતાથી સૌનાં હૈયે ઉતારી દેતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ કંપવાની બીમારીથી ગ્રસ્ત હતા, તેમ છતાં ભક્તિ અને સત્સંગમય જીવન સાથે પોતાની અસહ્ય બીમારીને પણ આનંદ અને મજાકમાં હળવી બનાવી દેતા હતા.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના છેલ્લાં 50 વર્ષોના સત્સંગમાં અનેક સ્તરે ખૂબ પાયાનું યોગદાન આપનાર આચાર્ય સ્વામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પણ ખૂબ સ્નેહી રહ્યા છે. નાના-મોટા, આબાલવૃદ્ધ સંતો-હરિભક્તો સૌ કોઈના પ્રિય અને આદરપાત્ર આચાર્ય સ્વામીના અક્ષરવાસથી બી.એ.પી.એસ. સંસ્થાને ન પુરાય એવી ખોટ પડી છે.

તેઓ તો દિવ્ય અક્ષરધામમાં દિવ્ય સુખનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ તેમના જેવી સેવા-ભક્તિ કરીને ગુરુહરિને રાજી કરવાની શક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના. 2 ઓગસ્ટ 2025ને શનિનારના રોજ સવારે નવસારી ખાતે તેઓના અંતિમ સંસ્કાર વેળાએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીને તેઓની સેવનાઓને બિરદાવી હતી.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now