Bangladesh Leader Support Mamata Banerjee: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પડોશી દેશ બાંગ્લાદેશમાંથી એક અત્યંત ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. બાંગ્લાદેશી નેતા અને સાંસદ નાહિદ ઈસ્લામે ભારતના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરતા મમતા બેનર્જીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. નાહિદ ઈસ્લામે દાવો કર્યો છે કે બાંગ્લાદેશના 17 કરોડ મુસ્લિમો મમતા બેનર્જીની સાથે છે અને તેમણે હાર માનવાને બદલે હવે દિલ્હીની ગાદી માટે ચૂંટણી લડવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ સરહદ પારથી આવેલા આ નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે.
'મમતાએ હાર નથી માની, અમે તેમની સાથે છીએ' - નાહિદ ઈસ્લામ
બાંગ્લાદેશી નેતા નાહિદ ઈસ્લામે પશ્ચિમ બંગાળના પરિણામો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, મમતા બેનર્જીએ માત્ર ચૂંટણી હારી છે, અમારો વિશ્વાસ અને સમર્થન નહીં. તેમણે મમતા બેનર્જીને સલાહ આપી છે કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદનો મોહ છોડીને હવે રાષ્ટ્રીય સ્તરે એટલે કે દિલ્હીમાં ચૂંટણી લડવી જોઈએ. આ નિવેદનમાં તેમણે ધાર્મિક કાર્ડ ખેલતા 17 કરોડ બાંગ્લાદેશી મુસ્લિમોના સમર્થનની વાત કરી છે, જેને ભારતના સુરક્ષા નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકો એક ગંભીર ઉશ્કેરણી તરીકે જોઈ રહ્યા છે.
ભાજપની જીતથી લઘુમતીઓ પર જોખમનો ભય ફેલાવ્યો
પોતાના નિવેદનમાં નાહિદ ઈસ્લામે વધુમાં ઝેર ઓકતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સત્તા આવવાથી લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર અત્યાચાર વધી શકે છે. તેમણે પાયાવિહોણા દાવા કર્યા છે કે ભાજપના શાસનમાં લઘુમતી સમુદાય સુરક્ષિત રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં ભાજપે 206 બેઠકો સાથે ઐતિહાસિક બહુમતી મેળવી છે, જ્યારે મમતા બેનર્જીની TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. મમતા બેનર્જી પોતે પણ ભવાનીપુર બેઠક પરથી હારી ગયા છે.
પશ્ચિમ બંગાળને 'સ્વતંત્ર રાજ્ય' જાહેર કરવાની ઉશ્કેરણી
માત્ર નાહિદ ઈસ્લામ જ નહીં, પરંતુ બાંગ્લાદેશના અન્ય સંગઠનો પણ ભારત વિરોધી પ્રચારમાં જોડાયા છે. 'બાંગ્લાદેશ જુલાઈ યોદ્ધા સંસદ'ના અધ્યક્ષ મોહમ્મદ નૂરુલ હુદા ડ્યુકે સોશિયલ મીડિયા પર મમતા બેનર્જીને સલાહ આપી છે કે તેઓ દિલ્હીના શાસનને સ્વીકારે નહીં અને પશ્ચિમ બંગાળને એક 'સ્વતંત્ર રાજ્ય' જાહેર કરી દે. ભારતની અખંડિતતા પર પ્રહાર કરતા આવા નિવેદનો બાદ ભારતીય વિદેશ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.
બંગાળમાં સત્તા પરિવર્તન બાદ બાંગ્લાદેશમાં ફફડાટ?
પશ્ચિમ બંગાળમાં થયેલા આ મોટા સત્તા પરિવર્તનથી બાંગ્લાદેશી કટ્ટરપંથીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હોય તેમ જણાય છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15 હજારથી વધુ મતોથી હરાવ્યા બાદ હવે બંગાળમાં નવી સરકારની રચના થવાની તૈયારી છે. આવા સમયે બાંગ્લાદેશી નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનો પાછળનો હેતુ બંગાળમાં અશાંતિ ફેલાવવાનો હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.





