Arvind Kejriwal on Ram Mandir Donation Theft Case: અયોધ્યાના રામ મંદિરના દાન પાત્રમાંથી કથિત ચોરી અને સોનાં-ચાંદીના આભૂષણોમાં ગેરરીતિના આરોપો હવે રાજકીય રંગ પકડતા જોવા મળી રહ્યા છે. આ મામલે દેશભરમાં ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અયોધ્યા પહોંચી રામલલાના દર્શન કર્યા અને સમગ્ર ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે દાન અને આભૂષણોની કથિત ચોરીને 'મહાપાપ' ગણાવી દોષિતોને કઠોર સજા મળવી જોઈએ તેવી પ્રાર્થના કરી હતી. શુક્રવારે અયોધ્યાની મુલાકાત દરમિયાન કેજરીવાલે શ્રી રામલલાના દર્શન કર્યા બાદ હનુમાનગઢી મંદિરમાં પણ બજરંગબલીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેઓ મહંત ધર્મદાસ સહિત અનેક સંતો અને સાધુઓને પણ મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભવ્ય રામ મંદિર કરોડો હિન્દુઓની આસ્થા, શ્રદ્ધા અને ગૌરવનું પ્રતિક છે અને અહીંની દિવ્યતા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે.
દાન ચોરીને ગણાવી ભક્તોની આસ્થા સાથે વિશ્વાસઘાત
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભગવાન રામના મંદિરમાંથી દાનના પૈસા, સોનાં-ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓની કથિત ચોરી અત્યંત ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે, આ માત્ર આર્થિક ગેરરીતિ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થા સાથે વિશ્વાસઘાત સમાન છે. કેજરીવાલે જણાવ્યું કે, તેમણે ભગવાન રામ સમક્ષ પ્રાર્થના કરી છે કે, જેમણે પણ આ પ્રકારનું મહાપાપ કર્યું છે તેમને કાયદાકીય સજા તો મળે જ, પરંતુ ભગવાન પણ તેમને તેમના કર્મોનું ફળ આપે અને કઠોરમાં કઠોર દંડ આપે.
'FIR અને 8 કર્મચારીઓની ધરપકડ માત્ર દેખાડો'
રામ મંદિર દાન ચોરી કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે કેજરીવાલે આ કાર્યવાહી પર સવાલો ઉઠાવતા કહ્યું કે, નોંધાયેલી FIR અને નાના સ્તરના કર્મચારીઓની ધરપકડ માત્ર દેખાડા સમાન છે. તેમણે કહ્યું કે, જે પ્રકારનું કથિત કૌભાંડ સામે આવ્યું છે, તે માત્ર નાના કર્મચારીઓ દ્વારા શક્ય નથી. આટલા લાંબા સમયથી ચાલતી ગેરરીતિ પાછળ ઉચ્ચ સ્તરે સંડોવણી હોવાની સંભાવના છે અને તેના તાર ઘણા ઉપર સુધી જોડાયેલા હોઈ શકે છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, અસલી જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને નાના કર્મચારીઓ પર સમગ્ર જવાબદારી ઢોળવામાં આવી રહી છે.
નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ
આમ આદમી પાર્ટીના નેતાએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, રામ મંદિર કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આવા સ્થળ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના ગેરવહીવટના આરોપોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, SITના પ્રાથમિક અહેવાલ બાદ આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: 'રાવણે સીતાજીનું હરણ કર્યું, આ લોકોએ તો...' : રામ મંદિર દાન ચોરી મામલે બાગેશ્વર બાબાનું મોટું નિવેદન
રામલલાના દર્શન બાદ શું કહ્યું કેજરીવાલે?
કેજરીવાલે જણાવ્યું કે, તેમણે રામલલાના દર્શન કરીને દેશના તમામ લોકોના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે, આ મામલે સત્ય બહાર આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






