બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં દુઃખદ ઘટના બની છે. ખેતરમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું વીજ કરંટ લાગતાં જ મોત થયું છે. જે સમગ્ર ઘટનાના પગલે સમગ્ર ગામ શોકનો માહોલ છવાયો છે.
મૃતકોના નામ
જેઠાભાઈ દલિત
રખુબેન દલિત
પથુભાઈ જેઠાભાઈ દલિત
ત્રણેય ખેતરમાં ગયા હતા
ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા હતા ત્યારે અચાનક વીજ લાઇનનો કરંટ ક્યાંક નીચે જમીન તરફ ફેલાયેલો હોવાથી ત્રણનું મોત થયું છે. પરિવારના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા પણ ત્યારે ત્રણેયના મોત થયેલા હતા. આ ઘટનાથી ધરાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વીજ કંપનીની ટીમ અને પોલીસ ઘટના સ્થળે
વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઇનમાં તકલીફના કારણે શૉર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા છે. તો બીજી તરફ પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી છે.
વીજ વિભાગ સામે સ્થાનિકોનો રોષ
ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘણા સમયથી વીજ લાઇનમાં ફોલ્ટ હોવાની જાણકારી કરવા છતાં ધ્યાન ન દોર્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે.






