Home Gujarat Banaskantha Heavy Rain 7 Inches In 3 Hours

બનાસકાંઠામાં વરસી આકાશી આફત! : નદીઓ બે કાંઠે, ગોબરી તળાવ ઓવરફ્લો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી, ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં મોટું નુકસાન

બનાસકાંઠામાં વરસી આકાશી આફત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 07:29 AM IST

બનાસકાંઠાના પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ફક્ત 3થી 4 કલાકમાં પાલનપુરમાં 7 થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક ઘરોમાં ઘરવખરી પલળી ગઈ છે. મફતપુરા, બેચરપુરા, ગણેશપુરા, આનંદનગર, કૈલાશનગર, ચાણક્યપુરી, બ્રિજેશ્વર કોલોની, આદર્શ સ્કૂલ રોડ અને ગોબરી તળાવ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા ગયા છે. જેમાં ગોબરી તળાવ ઓવરફ્લો થતા આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પાલનપુર થયું પાણી પાણી
પાલનપુર શહેરના મુખ્ય માર્ગો જેમકે પાલનપુર-આબુ રોડ હાઇવે, સોનગઢ પાટીયા, કલેક્ટર તથા ધારાસભ્યના નિવાસમાર્ગો તેમજ આદર્શ સ્કૂલ વિસ્તારમા પાણી ભરાતા વાહન વ્યવહાર અટકી ગયો છે. ટ્રાફિક ઠપ્પ થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડગામ, દાંતીવાડા, ઈકબાલગઢમાં વરસાદની તારાજી
ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા છે, જેના પગલે ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. તો આતર વડગામ, દાંતીવાડા, ઈકબાલગઢમાં પણ ભારે વરસાદથી તારાજી જોવા મળી રહી છે. વડગામમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારે બજાર અને તાલુકા કચેરીમાં પાણી ઘૂસી ગયા છે.
ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં ઘૂસ્યા પાણી
ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં 1.5 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણા વેપારીઓના માલ પરળતા ભારે નુકસાન થયું છે. ઇકબાલગઢ અને અમીરગઢમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકો સામાન લઈને ઘૂંટણસમા પાણીમાંથી બહાર નીકળ્યા છે.
લોકોમાં ભય અને ચિંતાનો માહોલ
પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. શહેરના તંત્રને અગાઉથી યોગ્ય વ્યવસ્થા ન કરવાના પરિણામે આજે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનું માહોલ છે.
બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રા.શાળામાં રજા જાહેર
વરસાદની તીવ્રતા અને લોકોને સુરક્ષિત રાખવા માટે આજે તા. 3 જુલાઈ 2025 ગુરુવારના રોજ, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now