Home Gujarat Banaskantha Gadalwada Youths Murder Case

Banaskantha ; ગાદલવાડાના યુવકની હત્યા કેસ : મુખ્ય આરોપી લાલો માળી ઉર્ફે ભાર્ગવ મંડોરા સહિત 6ની ધરપકડ

Banaskantha ; ગાદલવાડાના યુવકની હત્યા કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 01:50 PM IST

Banaskantha News : બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના યુવકની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપી લાલો માળી ઉર્ફે ભાર્ગવ મંડોરા સહિત કુલ 6 આરોપીઓને ઝડપી લીધા છે. પૈસાની લેતીદેતીની અદાવતમાં યુવક પર હિચકારો હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી.

આરોપી લાલો ગુનાહિત ઈતિહાસ ધરાવે

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ કેસનો મુખ્ય આરોપી લાલો માળી ઉર્ફે ભાર્ગવ મંડોરા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉથી 8 ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત મુખ્ય આરોપી અને અન્ય 24 લોકો સામે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

2000થી વધુ સીસીટીવી કેમેરાના ચેક કર્યા

આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. રૂટ મેપિંગ કરીને આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી અને તપાસ દરમિયાન અંદાજે 500 લોકેશનના 2000થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. સતત ટેકનિકલ ટીમોની તપાસના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

સઘન શોધખોળ

હાલમાં હત્યા કેસમાં સામેલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, બાકી આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે. આ ઘટનાને પગલે ગાદલવાડા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી, ત્યારે હવે આરોપીઓ ઝડપાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now