Home Gujarat Banas Dairy Seedball For Green Wall Season 6 Ambaji

અંબાજીથી બનાસ ડેરીના 'સીડબોલ ફોર ગ્રીન વોલ – સીઝન 6' અભિયાનનો પ્રારંભ : અરવલ્લીમાં 1 કરોડથી વધુ સીડબોલનું થશે વાવેતર

અંબાજી નજીક અરવલ્લી પર્વતમાળામાં સીડબોલ અભિયાનનો પ્રારંભ કરાવતા શંકરભાઈ ચૌધરી
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 13, 2026, 10:56 AM IST

અંબાજી: બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા રબારીવાસ, પાંચ્છા ખાતેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે બનાસ ડેરીના મહત્ત્વાકાંક્ષી 'સીડબોલ ફોર ગ્રીન વોલ – સીઝન 6' અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકોના સંયુક્ત પ્રયાસોથી આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ અરવલ્લી પર્વતમાળાને વધુ હરિયાળી બનાવી પર્યાવરણનું સંરક્ષણ અને જળસંચયને મજબૂત બનાવવાનો છે.

'એક પેડ માં કે નામ – 3.0'થી અભિયાનની શરૂઆત

કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ માં કે નામ – 3.0' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શંકરભાઈ ચૌધરીએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં ડ્રોન મારફતે સીડબોલનું વિતરણ કર્યું હતું. સાથે જ તેઓ જાતે પર્વતીય વિસ્તારોમાં પગપાળા ફરી સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં બનાસ ડેરીના અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, મહિલા પશુપાલકો અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવવા અને વધુમાં વધુ વૃક્ષો ઉગાડવાના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

અરવલ્લીના સંરક્ષણ માટે નવ ટીમો કરશે કામગીરી

કાર્યક્રમને સંબોધતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ખાસ નવ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો આગામી 15 દિવસ સુધી અરવલ્લીના વિવિધ પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં સીડબોલનું વ્યાપક વાવેતર કરશે. તેમણે જણાવ્યું કે બનાસ ડેરી અને ગુજરાત વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા પાંચ વર્ષથી જેસોર, અંબાજી સહિતના વિસ્તારોમાં સીડબોલ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું છે, જેના પરિણામે આજે અનેક વિસ્તારોમાં કુદરતી રીતે હજારો વૃક્ષો વિકસ્યા છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે.

એક કરોડથી વધુ સીડબોલથી હરિયાળો બનશે અરવલ્લી વિસ્તાર

આ વર્ષે અરવલ્લીની ગિરિમાળાઓમાં એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે. આ સીડબોલમાં અરવલ્લીના કુદરતી વાતાવરણને અનુકૂળ 22થી વધુ સ્થાનિક અને પર્વતીય વૃક્ષોની પ્રજાતિઓના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રજાતિઓ ઓછા પાણીમાં પણ સરળતાથી વિકસી શકે છે અને સ્થાનિક જૈવ વૈવિધ્યને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આવા વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવવા, વરસાદી પાણીનું સંરક્ષણ કરવા અને વન્યજીવો માટે કુદરતી આવાસ ઊભો કરવામાં પણ મદદરૂપ બને છે.

હજારો મહિલા પશુપાલકોની અનોખી ભાગીદારી

આ સમગ્ર અભિયાનની સૌથી વિશેષ બાબત એ છે કે બનાસકાંઠાની હજારો મહિલા પશુપાલકોએ ગોબર અને માટીનો ઉપયોગ કરીને લાખો સીડબોલ તૈયાર કર્યા છે. ગ્રામ્ય મહિલાઓની આ ભાગીદારી માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે મહિલા સશક્તિકરણ અને સામૂહિક જનભાગીદારીનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે. બનાસ ડેરી દ્વારા વર્ષોથી મહિલા પશુપાલકોને આવા સામાજિક અને પર્યાવરણીય કાર્યક્રમો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સીડબોલ શું છે અને કેવી રીતે કામ કરે છે?

સીડબોલ એ ગોબર અને માટીમાંથી બનાવવામાં આવતો નાનો ગોળો છે, જેમાં સ્થાનિક વૃક્ષોના બીજ મૂકવામાં આવે છે. તૈયાર થયેલા સીડબોલને વરસાદ પહેલાં પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં વિખેરી દેવામાં આવે છે.

ચોમાસામાં વરસાદ પડતાં ગોબર અને માટીમાં ભેજ પ્રવેશે છે, જેના કારણે અંદર રહેલા બીજ કુદરતી રીતે અંકુરિત થાય છે અને ધીમે ધીમે નવા છોડનો વિકાસ શરૂ થાય છે. આ પદ્ધતિમાં અલગથી સિંચાઈ કે સતત દેખરેખની જરૂર પડતી નથી, જેના કારણે ઓછા ખર્ચે મોટા વિસ્તારને હરિયાળો બનાવી શકાય છે. પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પર્વતીય અને જંગલ વિસ્તારોમાં વનીકરણ માટે સીડબોલ ટેક્નિક વિશ્વભરમાં સફળ અને અસરકારક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવી રહી છે.

વરસાદી પાણીના સંરક્ષણમાં પણ મળશે મોટી મદદ

શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અરવલ્લીના પર્વતોમાં વિકસતા વૃક્ષો માત્ર હરિયાળી જ વધારશે નહીં પરંતુ વરસાદી પાણીનું સંરક્ષણ કરીને બનાસ, સરસ્વતી અને સાબરમતી જેવી નદીઓના જળસ્ત્રોતોને પણ સમૃદ્ધ બનાવશે.

તેમણે જણાવ્યું કે વૃક્ષોના કારણે જમીનમાં પાણીનું રિચાર્જ વધે છે, ભૂગર્ભ જળસ્તર સુધરે છે અને લાંબા ગાળે પાણીની સમસ્યાના નિવારણમાં પણ મહત્વપૂર્ણ ફાળો મળે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની આગાહી : જાણો આગામી દિવસોમાં કેવું રેહશે વાતાવરણ

'ગ્રીન વોલ' તરીકે વિકસશે અરવલ્લી

શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી ગિરિમાળાને 'ગ્રીન વોલ' તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બનાસ ડેરી છેલ્લા સતત છ વર્ષથી આ અભિયાનને જનભાગીદારી સાથે આગળ વધારી રહી છે. તેમણે ઉમેર્યું કે આ અભિયાન માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો સામૂહિક સંકલ્પ છે. જો સમાજ, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ એકસાથે કામ કરે તો અરવલ્લી પર્વતમાળાને ફરીથી ગાઢ હરિયાળીથી આવરી શકાય છે અને ગુજરાતના પર્યાવરણને લાંબા ગાળે મજબૂત બનાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now