Babar Azam : પાકિસ્તાન સુપર લીગ 2026 માં બુધવારે 8 એપ્રિલના રોજ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મુકાબલો પેશાવર જાલ્મી અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે હતો. બાબર આઝમની કેપ્ટન્સીમાં પેશાવર જાલ્મીએ 146 રનનો પીછો કરતાં છેલ્લી બોલે જીત મેળવી હતી. જોકે, આ જીતની ખુશી પ્રેસ કોન્ફરન્સમાં ગુસ્સામાં ફેરવાઈ ગઈ હતી.
બાબરનો આકરો જવાબ
મેચ પૂરી થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બાબર આઝમને વિરાટ કોહલી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. પત્રકારે પૂછ્યું કે, વિરાટ કોહલી અને તમારી સાથે સરખામણી કરવામાં આવે છે, પણ વિરાટ કોહલીને શ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. તો પણ તમારી સરખામણી વારંવાર વિરાટ કોહલી સાથે થાય છે. આ સાંભળીને બાબર આઝમ નારાજ થઈ ગયો અને તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ અહીં જ ખતમ કરો, આવી વાતો તમારી પાસે રાખો. સરખામણી બંધ કરો. આ તમારી ગેરસમજ છે કે મેં મેચ ફિનિશ નથી કરી"
મેચનો ટર્નિંગ પોઇન્ટ
આ મેચમાં બાબર આઝમે બેટિંગ કરતાં 37 બોલમાં 43 રન ફટકાર્યા હતા. તેને કુસલ મેન્ડિસ સાથે 51 રનની મહત્વની ભાગીદારી કરી હતી. જોકે, 15 મી ઓવરમાં બાબર આઉટ થતાં મેચ ફસાઈ ગઈ હતી. અંતમાં ઈફ્તિખાર અહેમદે 15 રન બનાવીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. આ જીત સાથે પેશાવર જાલ્મી હવે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે આવી ગઈ છે.
આ પણ ખાસ વાંચો : પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ Babar Azam ની કરી ટીકા! : કહ્યું "તે નકામો છે...", કારણ જાણીને ચોંકી જશો!
બાબરનું PSL પરફોર્મન્સ
ચાલુ સિઝનમાં બાબર આઝમ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેને 2 મેચમાં 41.00 ની એવરેજથી 82 રન બનાવ્યા છે. ભલે મેદાન પર તેનું પરફોર્મન્સ સારું રહ્યું હોય, પરંતુ સતત વિરાટ કોહલી સાથે થતી સરખામણીના દબાણને કારણે તે હવે જાહેરમાં પોતાનો પક્ષ મૂકી રહ્યો છે.
વિરાટ કોહલી પ્રત્યે માન
નોંધનીય છે કે, બાબર આઝમ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનની બહાર સારા સંબંધો છે. બાબરે ઘણી વખત કોહલીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો છે. પરંતુ સતત મીડિયા દ્વારા કરવામાં આવતી સરખામણી હવે આ પાકિસ્તાની બેટ્સમેનને ખટકી રહી હોય તેવું તેના વર્તન પરથી સાફ દેખાઈ રહ્યું છે.





